મોસ્કોમાં જર્મનીને આંચકો; વર્લ્ડ કપની પ્રારંભિક મેચમાં મેક્સિકોના હાથે પરાજય

મોસ્કો – અહીંના લઝનિકી સ્ટેડિયમમાં મેક્સિકોએ ગ્રુપ-Fની પ્રારંભિક મેચમાં અપસેટ પરિણામ આપ્યું છે. એણે ગઈ વેળાની (2014ની) વર્લ્ડ કપના વિજેતા જર્મનીને 1-0થી પરાજય આપ્યો છે.

મેચનો એકમાત્ર વિજયી ગોલ મેક્સિકોના ફોરવર્ડ ખેલાડી હિરવિંગ લોઝેનોએ 35મી મિનિટે કર્યો હતો.

ગ્રુપમાં પહેલી જ મેચમાં પરાજય મળતાં ચેમ્પિયન જર્મન છાવણીમાં ઉદાસી છવાઈ ગઈ છે, તો મેક્સિકન ચાહકોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે.

પહેલા હાફમાં ઓચિંતો અને તેજ ગતિવાળો કાઉન્ટર-એટેક શરૂ કર્યા બાદ તરત જ લોઝેનોએ ગોલ ફટકારી દીધો હતો.

બીજા હાફમાં જર્મનીના ટોની ક્રૂસને ફ્રી કિકમાંથી તક મળી હતી, પણ બોલ ક્રોસબાર સાથે અથડાયો હતો.

ચેમ્પિયન્સ જર્મન ખેલાડીઓએ બાજી એમની ફેવરમાં આવી જાય એ માટે છેલ્લી મિનિટ સુધી ખૂબ પ્રયાસો કર્યા હતા, પણ તેઓ ગોલની તકોનું નિર્માણ કરવામાં નિષ્ફળ ગયા હતા.

મેક્સિકોનો હવે પછીનો મુકાબલો કોરિયા રિપબ્લિક સામે છે.

જર્મનીની ટીમ 1986ની વર્લ્ડ કપ બાદ આ પહેલી જ વાર સ્પર્ધાની પ્રારંભિક મેચમાં જીતવામાં નિષ્ફળ ગઈ છે. 1986ની સ્પર્ધાની પહેલી મેચને ઉરુગ્વે ડ્રોમાં ખેંચી ગયું હતું.