ગ્રાન્ડ સ્લેમમાં મને ફિનિશ થઈ ગયેલી ગણશો નહીં: શારાપોવા

લંડન – રશિયાની મારિયા શારાપોવાનો અહીં વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધામાં મહિલાઓની સિંગલ્સમાં મંગળવારે પહેલા જ રાઉન્ડમાં આંચકાજનક પરાજય થયો હતો. મારિયાને એના જ દેશની 132મી ક્રમાંકિત વિતાલીયા ડિયાચેન્કો 6-7 (3-7), 7-6 (7-3), 6-4થી હરાવી ગઈ છે.

ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-1 શારાપોવાનો આ પરાજય આઠ વર્ષમાં કોઈ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધામાં સૌથી વહેલી એક્ઝિટ બની છે. છેલ્લે, 2010માં એ ઓસ્ટ્રેલિયન ઓપનમાં પહેલા જ રાઉન્ડમાં હારી હતી.

શારાપોવાએ 2004માં વિમ્બલ્ડન વિજેતાપદ જીત્યું હતું.

એણે કહ્યું છે કે મંગળવારે ડિયાચેન્કો સામે થયેલા એનાં પરાજયનું કારણ ગ્રાસ કોર્ટ પર લાંબા સમય બાદનું સંક્રમણ છે.

મારિયા શારાપોવા

31 વર્ષીય અને વિશ્વમાં 24મી ક્રમાંકિત શારાપોવાએ ભારપૂર્વક કહ્યું છે કે આ ઘોર પરાજયને છતાં કોઈએ એવું સમજવું નહીં કે ગ્રાન્ડ સ્લેમ લેવલ પર હું હવે ફિનિશ થઈ ગઈ છું.

મંગળવારે ડિયાચેન્કો સામેની મેચમાં શારાપોવા એક સમયે એક સેટની જીત તેમજ બીજા સેટમાં 5-2ની સરસાઈમાં હતી, તે છતાં આખરે હારી ગઈ હતી.

વિતાલીયા ડિયાચેન્કો

27 વર્ષની ડિયાચેન્કોને મેચ દરમિયાન ત્રણ વખત એની પીઠની તકલીફ માટે સારવાર લેવી પડી હતી. ત્રણ કલાકથી પણ વધારે સમય બાદ અણધાર્યા મળેલા વિજયથી એ બહુ ખુશ દેખાતી હતી.

શારાપોવાએ 2004માં સેરેના વિલિયમ્સને હરાવીને વિમ્બલ્ડન વિજેતાપદ જીત્યું હતું. એ વખતે તે માત્ર 17 વર્ષની હતી.

શારાપોવા ડોપિંગને કારણે 15-મહિના સુધી સસ્પેન્શન ભોગવ્યાં બાદ આ પહેલી જ વાર વિમ્બલ્ડનમાં રમવા પાછી ફરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]