વોર્નની હાજરીમાં હું મારો શ્રેષ્ઠ દેખાવ કરવા માગતો હતોઃ કુલદીપ યાદવ

કોલકાતા – રાજસ્થાન રોયલ્સ ટીમમાં દંતકથા સમા ઓસ્ટ્રેલિયન લેગસ્પિનર શેન વોર્નની હાજરીએ ડાબોડી રીસ્ટ સ્પિનર કુલદીપ યાદવને આઈપીએલ સ્પર્ધામાં પોતાનો સર્વોત્તમ દેખાવ કરવાની પ્રેરણા આપી હતી. એણે 4 ઓવરમાં 20 રનના ખર્ચે રાજસ્થાન રોયલ્સની લીધેલી ચાર વિકેટના જોરે કોલકાતા નાઈટ રાઈડર્સ અહીં ઈડન ગાર્ડન્સમાં મંગળવારની લીગ મેચમાં 6-વિકેટથી વિજય મેળવી શકી હતી.

રાજસ્થાન રોયલ્સ ટીમ 19 ઓવરમાં 142 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં કોલકાતા ટીમે 18 ઓવરમાં 4 વિકેટના ભોગે 145 રન કરીને મેચ જીતી લીધી હતી.

કુલદીપ યાદવને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

કુલદીપે કહ્યું કે, હું તો કાયમ વોર્નનો મોટો ચાહક રહ્યો છું. એ મારા આદર્શ બોલર છે. મને જ્યારે પણ એમની હાજરીમાં રમવાનો મોકો મળે છે ત્યારે હું એમનામાંથી કંઈ અલગ પ્રકારની પ્રેરણા મેળવું છું. મંગળવારની મેચમાં પણ હું એમની હાજરીમાં સારો દેખાવ કરવા માગતો હતો અને એ બતાવવામાં સફળ રહ્યો.

આ જીતને કારણે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ પ્લે-ઓફ્ફમાં સ્થાન મેળવવા એક કદમ આગળ વધી છે.

કુલદીપ આઈપીએલ-11માં અત્યાર સુધીમાં 12 મેચમાં 9 વિકેટ મેળવવામાં સફળ થયો છે. એનો ઈકોનોમી રેટ આશરે 8.5 છે.

કોલકાતા ટીમ હવે 19 મેએ એની છેલ્લી રાઉન્ડ રોબીન લીગ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે, જે પ્લે-ઓફ્ફમાં પહોંચી ચૂકી છે.

કુલદીપને આવતા મહિને બેંગલુરુમાં અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમનાર ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]