ઈંગ્લેન્ડ સામે ભારતીય બેટ્સમેનોનો કંગાળ દેખાવ તૈયારીના અભાવને કારણે: ગાવસકર

0
605

મુંબઈ – ઈંગ્લેન્ડમાં હાલ રમાતી ટેસ્ટ સિરીઝમાં યજમાન ટીમના બોલરો સામે ભારતીય બેટ્સમેનોના કંગાળ દેખાવ માટે દંતકથાસમા બેટ્સમેન સુનીલ ગાવસકરે તૈયારીના અભાવને જવાબદાર ગણાવ્યો છે.

પાંચ-મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ મેચ 31 રનથી હારી ગયા બાદ બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પહેલા દાવમાં માત્ર 107 રન જ કરી શકી. ભારતીય બેટ્સમેનોના દેખાવથી ગાવસકર જરાય પ્રભાવિત થયા નથી.

કેપ્ટન વિરાટ કોહલીને બાદ કરતાં બીજો એકેય ટોચનો બેટ્સમેન મોટો સ્કોર કરવામાં સફળ રહ્યો નથી.

‘લાલ-બોલથી પ્રેક્ટિસ અને તૈયારીનો અભાવ એમના કંગાળ દેખાવ સાબિતી છે. સીમિંગ કન્ડિશનમાં રમવા માટે ભારતના બેટ્સમેનોએ પૂરતી તૈયારી કરી નહોતી એ સ્પષ્ટ દેખાય છે,’ એમ ગાવસકરે એમની દૈનિક કોલમમાં લખ્યું છે.

ઉલ્લેખનીય છે કે લોર્ડ્સમાં બીજી ટેસ્ટમાં જ્યારે ઈંગ્લેન્ડના બેટ્સમેનોને રમવાનું આવ્યું હતું ત્યારે હવામાન એમને માટે અનુકૂળ બન્યું હતું. ત્રીજા દિવસે ભારતના બોલરોને એ મૂવમેન્ટ મળી નહોતી જે ઈંગ્લેન્ડના બોલરોને બીજા દિવસે મળી હતી.