દક્ષિણ આફ્રિકાને 124 રનથી હરાવી ભારતે સિરીઝમાં મેળવી 3-0ની અજેય સરસાઈ

કેપ ટાઉન – ભારતે તેના કેપ્ટન વિરાટ કોહલીના પ્રશંસનીય અણનમ 160 રન અને ત્યારબાદ તેના બે મુખ્ય સ્પિનર – યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવના કાંડાની કરામતની મદદથી દક્ષિણ આફ્રિકાને આજે અહીં ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 124 રનથી કચડી નાખીને છ-મેચોની સિરીઝમાં 3-0ની અપરાજિત સરસાઈ મેળવી લીધી છે. ભારતની સ્પિન જોડી સામે દક્ષિણ આફ્રિકાની બેટિંગ લાઈન-અપ આજે ત્રીજી મેચમાં પણ ધ્વસ્ત થઈ ગઈ હતી.

ભારતે તેના દાવમાં 50 ઓવરમાં 6 વિકેટે 303 રન કર્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ 40 ઓવર જ રમી શકી અને 179 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

ચહલ અને યાદવે વ્યક્તિગત 4-4 વિકેટ લીધી હતી. ચહલે 9 ઓવરમાં 46 રનમાં 4 તો યાદવે 9 ઓવરમાં માત્ર 23 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બે બેટ્સમેનને આઉટ કરવામાં સફળતા મેળવી છે.

બંને ટીમ વચ્ચે ચોથી મેચ 10 ફેબ્રુઆરીએ જોહાનિસબર્ગમાં રમાશે.

ભારતીય ટીમ આ પહેલાંના પ્રવાસોમાં ક્યારેય દક્ષિણ આફ્રિકા સામે દ્વિપક્ષીય સિરીઝમાં બેથી વધારે વન-ડે મેચ જીતી શકી નહોતી. 1992માં સાત મેચોની સિરીઝ ભારતે 2-5થી ગુમાવી હતી અને 2010-11માં ભારત સિરીઝમાં 2-1થી આગળ થયા બાદ સિરીઝમાં 2-3થી હારી ગયું હતું.

કેપ્ટન વિરાટ કોહલીએ એનું વિરાટ સ્વરૂપવાળું બેટિંગ ફોર્મ આજે પણ જાળવીરાખીને અહીં દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં સદી ફટકારી હતી. ભારતે 50 ઓવરમાં 6 વિકેટે 303 રન કર્યા હતા. કોહલી એમાં 160 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

કોહલીની આ 205મી વન-ડે મેચ હતી અને આજે એણે ફટકારેલી સદી કારકિર્દીની 34મી છે.

વિકેટકીપર અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ આજે એક સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એણે હરીફ ટીમના કેપ્ટન મારક્રમને સ્ટમ્પ આઉટ કરીને ડેવિડ મિલરનો કેચ પકડીને વન-ડે ક્રિકેટમાં પોતે કરેલા શિકારનો આંકડો 400ની પાર કરી દીધો છે. આ સિદ્ધિ હાંસલ કરનાર તે પહેલો ભારતીય વિકેટકીપર બન્યો છે, જ્યારે વિશ્વસ્તરે એ ચોથા ક્રમે છે.

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન મારક્રમે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી. રોહિત શર્મા ઝીરો પર આઉટ થયા બાદ શિખર ધવન (76) અને કોહલીએ મળીને બીજી વિકેટ માટે 140 રનની ભાગીદારી કરી હતી.
ધવને 63 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 76 રન કર્યા હતા.

કોહલીએ 101 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ત્યારબાદ પણ એણે રમવાનું ચાલુ રાખ્યું હતું અને અંતે 159 બોલનો સામનો કરીને 160 રનના વ્યક્તિગત સ્કોર પર નોટઆઉટ રહ્યો હતો. એણે પોતાના દાવમાં 12 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. દાવની છેલ્લી ઓવરના છેલ્લા બે બોલમાં એણે સિક્સર અને બાઉન્ડરી ફટકારી હતી.
194મા દાવમાં કોહલીએ સિક્સરોની પણ સદી આજે પૂરી કરી હતી. છગ્ગાઓની સદી ફટકારનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં હવે કોહલી પણ સામેલ થયો છે.

અન્ય બેટ્સમેનો છે – મહેન્દ્ર સિંહ ધોની (315 મેચમાં 216 સિક્સર), સચીન તેંડુલકર (463 મેચમાં 195), સૌરવ ગાંગુલી (311 મેચમાં 190), રોહિત શર્મા (177 મેચમાં 165), યુવરાજ સિંહ (304 મેચમાં 155), વિરેન્દ્ર સેહવાગ (245 મેચમાં 136), સુરેશ રૈના (223 મેચમાં 120 સિક્સર).

વિશ્વસ્તરે, સૌથી વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારવાનો વિક્રમ પાકિસ્તાનના શાહિદ અફરિદીના નામે છે. એણે 398 મેચોમાં 351 સિક્સર ફટકારી છે. બીજા નંબરે શ્રીલંકાનો સનત જયસૂર્યા (270) અને ત્રીજા નંબરે વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ (253) આવે છે.

કોહલી સૌથી ઝડપે 9000 રન પૂરા કર્યા

કોહલીએ વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપે 9000 રન પૂરા કર્યા છે. એણે આ સિદ્ધિ 194 ઈનિંગ્ઝમાં હાંસલ કરી છે.
બીજા ક્રમે એબી ડી વિલિયર્સ (205 દાવ), ત્રીજા ક્રમે સૌરવ ગાંગુલી (228 દાવ), ચોથે સચીન તેંડુલકર (235 દાવ) અને પાંચમા ક્રમે બ્રાયન લારા છે (239 મેચ).