કોહલી, ચાનુને ‘ખેલ રત્ન એવોર્ડ’ એનાયત; નીરજ, હિમાને મળ્યો ‘અર્જુન એવોર્ડ’

નવી દિલ્હી – રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે અહીં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સમારંભમાં ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને વર્લ્ડ ચેમ્પિયન વેઈટલિફ્ટર સૈખોમ મીરાબાઈ ચાનુને દેશના સર્વોચ્ચ ખેલકૂદ સમ્માન ‘રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ’ પ્રદાન કર્યો હતો.

ઈન્ડોનેશિયામાં એશિયન ગેમ્સનું આયોજન કરાયું હતું એટલે આ વર્ષે ‘ખેલ રત્ન’ તથા ‘અર્જુન’, ‘દ્રોણાચાર્ય’ એવોર્ડ્સ એનાયત કરવાનો સમારંભ યોજવામાં વિલંબ થયો હતો. સામાન્ય રીતે, આ કાર્યક્રમ 29 ઓગસ્ટે યોજાતો હોય છે.

દેશના જે ખેલાડીએ છેલ્લા ચાર વર્ષના સમયગાળામાં ખેલકૂદ ક્ષેત્રે હાંલલ કરેલા પ્રશંસનીય તથા અસાધારણ દેખાવને ધ્યાનમાં લઈને ‘રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ’ આપવામાં આવે છે.

વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ

‘ખેલ રત્ન એવોર્ડ’ના રૂપમાં વિજેતાને રૂ. 7 લાખનું રોકડ ઈનામ, મેડલ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.

કોહલી એની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા, માતા સરોજ કોહલી અને મોટા ભાઈ વિકાસની સાથે કાર્યક્રમમાં આવ્યો હતો.

કોહલી ‘ખેલ રત્ન’ જીતનાર ત્રીજો ક્રિકેટર છે. આ પૂર્વે સચીન તેંડુલકર (1998) અને મહેન્દ્ર સિંહ ધોની (2007) આ સમ્માન પ્રાપ્ત કરી ચૂક્યા છે.

29 વર્ષીય કોહલીને 2013માં ‘અર્જુન એવોર્ડ’ અને ગયા વર્ષે ‘પદ્મશ્રી’ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

મીરાબાઈ ચાનુને આ વર્ષના આરંભમાં ‘પદ્મશ્રી’થી સમ્માનિત કરવામાં આવી હતી. એ ગયા વર્ષે મહિલાઓની વર્લ્ડ વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં 48 કિ.ગ્રા. વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી હતી.

આજે ‘ખેલ રત્ન એવોર્ડ’ ઉપરાંત પ્રતિષ્ઠિત એવા ‘અર્જુન એવોર્ડ’ પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ હાંસલ કરનાર ખેલાડીઓ-એથ્લીટ્સ છે – ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરા, સ્પ્રિન્ટર હિમા દાસ, ટેબલ ટેનિસ સ્ટાર મનિકા બત્રા વગેરે.

અન્ય અર્જુન એવોર્ડ વિજેતાઓ છેઃ લોન્ગ ડિસ્ટન્સ રનર જિન્સન જોન્સન, બેડમિન્ટન ખેલાડી એન. સિક્કી રેડ્ડી, બોક્સર સતિષ કુમાર, મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના, ગોલ્ફર શુભાંકર શર્મા, હોકી ખેલાડીઓ મનપ્રીત સિંહ અને સવિતા પુનિયા, કર્નલ રવિ રાઠોર (પોલો), શૂટિંગ સ્ટાર્સ રાહી સરનોબત, અંકુર મિત્તલ, શ્રેયાસી સિંહ, બેડમિન્ટન ખેલાડી જી. સાથિયન, ટેનિસ ખેલાડી રોહન બોપન્ના, કુસ્તીબાજ સુમિત, વુશુ એથ્લીટ પૂજા કાડિયન

દિવ્યાંગ એથ્લીટ અંકુર ધમા અને દિવ્યાંગ બેડમિન્ટન ખેલાડી મનોજ સરકારને પણ ‘અર્જુન એવોર્ડ’ આપવામાં આવ્યો હતો.

આ એવોર્ડના રૂપમાં રૂ. પાંચ લાખનું રોકડ ઈનામ, પ્રશસ્તિપત્ર અને મેડલ આપવામાં આવે છે.

રાષ્ટ્રપતિએ પ્રદાન કરેલા ‘દ્રોણાચાર્ય એવોર્ડ’ જીતનાર છેઃ સી.એ. કટપ્પા (બોક્સિંગ), વિજય શર્મા (વેઈટલિફ્ટિંગ), એ. શ્રીનિવાસ રાવ (ટેબલ ટેનિસ), સુખદેવ સિંહ પન્નુ (એથ્લેટિક્સ).

‘લાઈફટાઈમ અચીવમેન્ટ’ માટે દ્રોણાચાર્ય એવોર્ડ જીતનારાઓ છેઃ ક્લેરેન્સ લોબો (હોકી), તારક સિન્હા (ક્રિકેટ), જીવન કુમાર શર્મા (જુડો) અને વી.આર. બીડુ (એથ્લેટિક્સ).

આ એવોર્ડના રૂપમાં રૂ. પાંચ-પાંચ લાખનું રોકડ ઈનામ, પ્રશસ્તિપત્ર અને મેડલ આપવામાં આવે છે.

નીરજ ચોપરા (જેવેલીન થ્રો)

હિમા દાસ (સ્પ્રિન્ટર)

નીલાકર્તી સિક્કી રેડ્ડી (બેડમિન્ટન)

નાયબ સુબેદાર જિન્સન જોન્સન (લોન્ગ ડિસ્ટન્સ રનર)

સુબેદાર સતિષ કુમાર (બોક્સિંગ)

શુભાંકર શર્મા (ગોલ્ફ)

મનપ્રીત સિંહ (હોકી)

સવિતા (હોકી)

કર્નલ રવિ રાઠોર (પોલો)

અંશુ જામસેનપા (પાંચ દિવસમાં માઉન્ટ એવરેસ્ટ શિખર બે વાર સર કરનાર એકમાત્ર મહિલા)

મનોજ સરકાર (દિવ્યાંગ બેડમિન્ટન સ્ટાર)

અંકુર ધમા (દિવ્યાંગોની એથ્લેટિક્સ)

પૂજા કાડિયન (વૂશૂ)

સુમિત (કુસ્તી)

મનિકા બત્રા (બેડમિન્ટન)

જી. સાથિયન (ટેબલ ટેનિસ)

શ્રેયાસી સિંહ (શૂટિંગ)

રાહી સરનોબત (શૂટિંગ)

અંકુર મિત્તલ (શૂટિંગ)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]