ખરાબ ફિલ્ડિંગને કારણે અમે કોલકાતા સામે હાર્યાઃ વિરાટ કોહલી

બેંગલુરુ – આઈપીએલ-11 સ્પર્ધામાં અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમના કંગાળ દેખાવથી તેનો કેપ્ટન વિરાટ કોહલી પરેશાન છે. ગઈ કાલે, રવિવારે હોમગ્રાઉન્ડ પર કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટીમનો ફરી પરાજય થયો. આ પરાજય માટે કોહલીએ પોતાની ટીમની ખરાબ ફિલ્ડિંગને જવાબદાર ગણાવી છે.

કોલકાતાએ અત્રેના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બેંગલોરને 6-વિકેટથી પરાજય આપ્યો હતો. બેંગલોરે 175 રન કર્યા હતા, પણ એની ખરાબ ફિલ્ડિંગને કારણે કોલકાતા ટીમ 19.1 ઓવરમાં માત્ર 4 વિકેટના ભોગે 176 રન કરીને મેચ જીતી ગઈ હતી.

આ પરાજયને કારણે પ્લે-ઓફ્ફમાં સ્થાન મેળવવાનું બેંગલોર ટીમનું સપનું એકદમ ડામાડોળ થઈ ગયું છે.

વિરાટ કોહલી – 68 અણનમ

કોહલીએ મેચ બાદ કહ્યું હતું કે 175 રનનો સ્કોર ખરેખર સારો હતો. જો અમે ફિલ્ડિંગ પણ એવી જ સરસ કરી હોત તો કદાચ જીતી ગયા હોત. આવા દેખાવથી ટીમ જીતી ન શકે. જે રીતે અમે ફિલ્ડિંગ કરી હતી એ જોતાં અમે જીતવાને લાયક જ નહોતા.

કોલકાતાનો ક્રિસ લીન – મેન ઓફ ધ મેચ

કોહલીએ ત્રીજા નંબરે બેટિંગમાં આવીને 68 રન કર્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો. એણે 44 બોલના દાવમાં 3 સિક્સર અને પાંચ બાઉન્ડરી ફટકારી હતી. ઓપનિંગ જોડી – ક્વિન્ટન ડી કોક (29) અને બ્રેન્ડન મેક્યૂલમ (38) 67 રનની ભાગીદારી કરી હતી. એના જવાબમાં, કોલકાતા ટીમે ઓપનર ક્રિસ લીન (62), રોબિન ઉથપ્પા (360 અને કેપ્ટન દિનેશ કાર્તિક (23)ના યોગદાન સાથે 176 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. 

બેંગલોરની હવે પછીની મેચ મંગળવારે બેંગલુરુમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. જ્યારે કોલકાતા ગુરુવારે ઘરઆંગણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે.