ધોનીએ કર્યું એ કરતાં પંતે લાંબો પંથ કાપવો પડશેઃ સૌરવ ગાંગુલી

નવી દિલ્હીઃ બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મહેન્દ્ર સિંહ ધોની વિશે કહ્યું છે કે ધોનીએ જે પ્રાપ્ત કર્યું છે તેની બરાબરી કરવામાં યુવા વિકેટકીપર ઋષભ પંતને 15 વર્ષ જેટલો સમય લાગી જશે. જો કે મહત્વની વાત એપણ છે કે ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા પંતને ગાંગુલીએ સાથ આપ્યો છે અને કહ્યું છે કે તે શીખતા-શીખતા આગળ વધવાનો પ્રયત્ન કરે.

ગાંગુલીના જણાવ્યા પ્રમાણે ખરાબ સમયમાં પંતને ધોની-ધોની જેવા નારા પણ સંભળાશે પરંતુ પંતે તેને અવગણીને ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. ગાંગુલીએ કહ્યું કે, દબાણ અને પડકારો પંત માટે સારા છે. તેને આનાથી ઘણુ શીખવા મળશે. તેને ધોની-ધોની જેવા નારાઓ સાંભળવા દો કે જેથી તેને દબાણ વચ્ચે જ પોતાનો રસ્તો શોધવાનો મોકો શીખ મળે.

ગાંગુલીએ એ પણ જણાવ્યું કે ભારતીય ક્રિકેટે ધોનીના યોગદાન માટે તેને ધન્યવાદ આપવા જોઈએ. તેમણે કહ્યું કે ધોનીએ જે પ્રાપ્ત કર્યું છે તેને મેળવવામાં પંતને 15 વર્ષ લાગી જશે.