દિલ્હી કેપિટલ્સે ‘એલિમિનેટર’ મેચ 2-વિકેટથી જીતી; સનરાઈઝર્સ હૈદરાબાદ IPL-2019માંથી આઉટ

0
986

વિશાખાપટનમ – વિકેટકીપર રિષભ પંતના ધમાકેદાર 49 રન અને ઓપનર પૃથ્વી શોનાં 56 રનના જોરે દિલ્હી કેપિટલ્સે આજે અહીં આઈપીએલ-2019ની એલિમિનેટર મેચ 2-વિકેટથી જીતી લીધી છે અને સનરાઈઝર્સ હૈદરાબાદને સ્પર્ધામાંથી આઉટ કરી દીધી છે.

પંતે 21 બોલમાં પાંચ સિક્સર અને બે બાઉન્ડરી સાથે 49 રન ઝૂડી કાઢ્યા હતા અને દિલ્હી ટીમને નાટ્યાત્મક રીતે મેચમાં જીતની સ્થિતિમાં લાવી દીધી હતી. દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. હૈદરાબાદ ટીમે તેની 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 162 રન કર્યા હતા.

તેના જવાબમાં દિલ્હી ટીમ તાણ હેઠળ રમી રહી હતી. પૃથ્વી શો (38 બોલમાં બે સિક્સ, 6 બાઉન્ડરી) આઉટ થયા બાદ અને હૈદરાબાદના સ્પિનર રશીદ ખાને એક જ ઓવરમાં કોલીન મુનરો (14) અને અક્ષર પટેલ (0)ને આઉટ કરતાં દિલ્હીની સ્થિત નાજુક બની ગઈ હતી.

પણ એ જ વખતે રિષભ પંતે જોરદાર ફટકાબાજી આદરી હતી. બાસીલ થમ્પીની એક જ ઓવરમાં એણે બે સિક્સ અને બે બાઉન્ડરી ફટકારીને દિલ્હીને જીતના દ્વારે લાવી મૂકી દીધું હતું. 19મી ઓવરના પાંચમા બોલે પંત આઉટ થયો હતો. અમિત મિશ્રા ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ નિર્ણયમાં આઉટ થયો હતો, પણ 20મી ઓવરના પાંચમા બોલે કીમો પૌલે બાઉન્ડરી ફટકારીને મેચનો અંત લાવી દીધો હતો.

હવે 10 મેએ વિશાખાપટનમમાં જ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ‘ક્વાલિફાયર-2’ મેચ રમાશે. એમાં જે વિજેતા બનશે એ 12 મેએ હૈદરાબાદમાં ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. ક્વાલિફાયર-1 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નાઈનો પરાજય થયો હતો.

દિલ્હી ટીમ આઈપીએલમાં આ પહેલી જ વાર પ્લેઓફ્સમાં મેચ જીતી છે. આ પહેલાં તે 2008, 2009, 2012, 2013માં પ્લેઓફ્સમાં પહેલી જ મેચ હારી ગઈ હતી.

એલિમિનેટર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો આ ચોથી વાર પરાજય થયો છે. આ પહેલાં એ 2013માં રાજસ્થાન રોયલ્સ સામે, 2016 અને 2017માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારી ગઈ હતી.

રિષભ પંત - પ્લેયર ઓફ ધ મેચ


વિશાખાપટનમમાં 8 મે, બુધવારે આઈપીએલ-2019ની રમાઈ ગયેલી એલિમિનેટર મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 2-વિકેટથી હરાવીને આ સ્પર્ધાના પ્લેઓફ્સમાં પહેલી જ વાર વિજય હાંસલ કર્યો હતો. આ પરાજય સાથે હૈદરાબાદ ટીમ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ છે. મેચનો સ્કોરઃ સનરાઈઝર્સ હૈદરાબાદ 162-8 (20). માર્ટિન ગપ્ટીલ 36, મનીષ પાંડે 30, કેપ્ટન કેન વિલિયમ્સન 28, કીમો પૌલ 32 રનમાં 3 વિકેટ. દિલ્હી કેપિટલ્સ 165-8 (19.5). પૃથ્વી શો 56, રિષભ પંત 49. રશીદ ખાન 15 રનમાં 2 વિકેટ. પંતને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો. હવે દિલ્હીનો મુકાબલો 10 મેએ વિશાખાપટનમમાં જ 'ક્વાલિફાયર-2' મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે થશે. એમાં જે વિજેતા બનશે એ 12 મેએ હૈદરાબાદમાં ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે.


રિષભ પંત


પૃથ્વી શો


આઈપીએલ ટ્રોફી
રશીદ ખાન


શ્રેયસ ઐયર અને કેન વિલિયમ્સન