હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડ દેખાવે ચેન્નાઈને IPL-12માં પહેલો પરાજય ચખાડ્યો

મુંબઈ – હાર્દિક પંડ્યાએ બેટિંગ અને બોલિંગ, બંનેમાં જોરદાર દેખાવ કરતાં મુંબઈ ઈન્ડિયન્સે ગઈ કાલે અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે આઈપીએલ-2019 સ્પર્ધામાં ચેન્નાઈ સુપર કિંગ્સને 37-રનથી પરાજય આપ્યો હતો. વર્તમાન સ્પર્ધામાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની અને ગયા વર્ષની ચેમ્પિયન્સ ચેન્નાઈ ટીમનો આ પહેલો જ પરાજય છે. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ સ્પર્ધામાં તેનો 100મો વિજય નોંધાવ્યો છે અને આ સ્પર્ધામાં 100 જીત હાંસલ કરનાર તે પહેલી જ ટીમ બની છે.

ધોનીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સે તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 170 રન કર્યા હતા. તેના જવાબમાંચેન્નાઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 8 વિકેટે 133 રન જ બનાવી શકી હતી.

મુંબઈના હાર્દિક પંડ્યાએ બેટિંગમાં 3 સિક્સર અને એક બાઉન્ડરી સાથે 8 બોલમાં 25 રન ઝૂડી કાઢ્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો અને ત્યારબાદ બોલિંગમાં 4 ઓવરમાં 20 રન આપીને ચેન્નાઈની 3 વિકેટ ખેરવી હતી. જેમાં ધોનીની કિંમતી વિકેટનો પણ સમાવેશ થાય છે. હાર્દિકના અન્ય બે શિકાર હતા – રવિન્દ્ર જાડેજા અને દીપક ચહર.

હાર્દિક ઉપરાંત મુંબઈના બે ફાસ્ટ બોલર – લસિથ મલિંગા અને જેસન બેરનડોર્ફે પણ ભારે ઘાતક બોલિંગ ફેંકી હતી. મલિંગાએ 34 રનમાં 3 વિકેટ લીધી હતી અને બેરનડોર્ફે બે બેટ્સમેનને આઉટ કર્યા હતા.

ચેન્નાઈના એકમાત્ર કેદાર જાધવે મુંબઈના બોલરોને લડત આપી હતી અને 58 રન કર્યા હતા. ઓપનરો – શેન વોટસન પાંચ રન કરીને તો અંબાતી રાયડુ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. સુરેશ રૈનાએ 16 અને કેપ્ટન ધોનીએ 12 રન કર્યા હતા.

મુંબઈના દાવમાં, ઓપનિંગ જોડી – ક્વિન્ટન ડી કોક (4) અને કેપ્ટન રોહિત શર્મા (13) સસ્તામાં આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવ (59) એક છેડો સંભાળ્યો હતો. યુવરાજ સિંહ પણ માત્ર 4 રન કરી શક્યો હતો. કૃણાલ પંડ્યાએ 32 બોલમાં એક સિક્સર અને પાંચ બાઉન્ડરી સાથે 42 રન ઝૂડી કાઢ્યા હતા. કાઈરન પોલાર્ડ 17 રન કરીને નોટઆઉટ રહ્યો હતો, જેમાં બે સિક્સર હતી.

(તસવીરોઃ iplt20.com)

હાર્દિકને મેન ઓફ ધ મેચ એવોર્ડ. સાથે છે આકાશ અંબાણી






મુંબઈનો સૂર્યકુમાર યાદવ


મુંબઈ ઈન્ડિયન્સનાં માલિકણ નીતા અંબાણી


હાર્દિક પંડ્યાએ બેટિંગ અને બોલિંગ, બંનેમાં જોરદાર દેખાવ કરતાં મુંબઈ ઈન્ડિયન્સે 3 એપ્રિલ, બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આઈપીએલ-2019 સ્પર્ધાની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 37-રનથી પરાજય આપ્યો હતો. ચેન્નાઈના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સે તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 170 રન કર્યા હતા. તેના જવાબમાંચેન્નાઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 8 વિકેટે 133 રન જ બનાવી શકી હતી. હાર્દિકે બેટિંગમાં અણનમ 25 રન કર્યા હતા અને ત્યારબાદ બોલિંગમાં 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ ખેરવી હતી. (તસવીરોઃ iplt20.com)










આકાશ અંબાણી