IPL-2019 હરાજીઃ ઉનડકટ, ચક્રવર્તિ સૌથી મોંઘા ખેલાડી; રૂ. 8.40 કરોડમાં ખરીદાયા

જયપુર – ટ્વેન્ટી-20 ફોર્મેટ પર રમાતી પ્રોફેશનલ સ્તરની ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની 12મી મોસમ આવતા વર્ષે રમાશે. એ માટેના ખેલાડીઓની હરાજીનો કાર્યક્રમ આજે અહીં યોજાયો હતો.

જયદેવ ઉનડકટ

તમામ 8 ફ્રેન્ચાઈઝ ટીમોએ વિશ્વના શ્રેષ્ઠ ટેલેન્ટેડ ખેલાડીઓને ખરીદવા માટે બોલી લગાવી હતી અને પોતપોતાની ટીમનું ઘડતર કર્યું હતું.

આઈપીએલ-2019 સ્પર્ધા આવતા વર્ષે 29 માર્ચથી 19 મે વચ્ચે રમાશે, પરંતુ મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પરિણામે સ્પર્ધા ભારતમાં નહીં યોજાય. તે સાઉથ આફ્રિકા અથવા યુનાઈટેડ આરબ અમિરાતમાં યોજાય એવી ધારણા છે.

આઈપીએલ સ્પર્ધામાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ સૌથી સફળ છે, જેમણે આ ટ્રોફી 3-3 વાર જીતી છે.

તમામ આઠ ટીમો – ચેન્નાઈ સુપરકિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, કિંગ્સ ઈલેવન પંજાબ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સે એમની ટીમના ઘણા ખેલાડીઓને જાળવી રાખ્યાની ગયા નવેંબરમાં જાહેરાત કરી હતી. બાકીના ખેલાડીઓને આજે હરાજી વખતે સૌથી ઊંચી બોલી લગાવીને ખરીદવામાં આવ્યા છે.

દિલ્હી ડેરડેવિલ્સ ટીમે તેનું નામ આ વખતથી બદલ્યું છે અને તે હવે બની છે દિલ્હી કેપિટલ્સ.

આજે થયેલી હરાજીમાં ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે સૌથી ઊંચી, 8 કરોડ 40 રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો છે.

રાજસ્થાન ટીમે ઉનડકટને આ બીજી વાર ખરીદ્યો છે. ગઈ વેળાની હરાજીમાં ટીમે ઉનડકટને રૂ. 11.5 કરોડમાં ખરીદ્યો હતો, પણ સ્પર્ધા બાદ એને છૂટો કર્યો હતો.

વરુણ ચક્રવર્તિ

એક અન્ય ખેલાડી પણ આટલી જ, રૂ. 8 કરોડ 40 લાખની રકમમાં ખરીદાયો છે. એનું નામ છે – વરુણ ચક્રવર્તિ. તે મિસ્ટ્રી સ્પિનર છે. કિંગ્સ ઈલેવન પંજાબ ટીમે એને તેની બેઝ પ્રાઈસ કરતાં 42 ગણી વધુ રકમમાં ખરીદ્યો છે. ચક્રવર્તિ આર્કિટેક્ટમાંથી ક્રિકેટર બન્યો છે. એણે તામિલનાડુ પ્રીમિયર લીગમાં સારો દેખાવ કર્યો હતો.

વિદેશી ખેલાડીઓમાં, સૌથી ઊંચી બોલી સાથે ખરીદાયો છે ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન. કિંગ્સ ઈલેવન પંજાબ ટીમે એને રૂ. 7 કરોડ 20 લાખમાં ખરીદ્યો છે. કોલીન ઈન્ગ્રામ નામના એક અન્ય વિદેશી ઓલરાઉન્ડરને દિલ્હી કેપિટલ્સે રૂ. 6 કરોડ 40 લાખમાં ખરીદ્યો છે.

મુંબઈનિવાસી શિવમ દુબે નામના હાર્ડ-હીડિંગ ઓલરાઉન્ડરને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રૂ. પાંચ કરોડમાં ખરીદ્યો છે.

16 વર્ષના લેગસ્પિનર પ્રયાસ રે બર્મનને પણ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રૂ. દોઢ કરોડમાં ખરીદ્યો છે. આ બોલરે તાજેતરમાં વિજય હઝારે સ્પર્ધામાં પ્રભાવશાળી દેખાવ કર્યો હતો.

ચેતેશ્વર પૂજારા અને બ્રેન્ડન મેક્યુલમ અનસોલ્ડ રહ્યા હતા.

સૌથી ઊંચી બોલીમાં ખરીદાયેલા અન્ય ખેલાડીઓ આ મુજબ છેઃ

કાર્લોસ બ્રેથવેઈટ  – રૂ. પાંચ કરોડમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ખરીદ્યો

અક્ષર પટેલ – રૂ. પાંચ કરોડમાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો

મોહિત શર્મા – રૂ. પાંચ કરોડમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો

મોહમ્મદ શમી – રૂ. 4.80 કરોડમાં કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો

શિમ્રોન હેટમેયર – રૂ. 4.20 કરોડમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ખરીદ્યો

નિકોલસ પૂરન – રૂ. 4.20 કરોડમાં કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો

યુવરાજ સિંહ શરૂઆતમાં અનસોલ્ડ રહ્યો હતો, પરંતુ બાદમાં એને મુંબઈ ઈન્ડિયન્સે એની બેઝ પ્રાઈસ, રૂ. 1 કરોડમાં ખરીદ્યો હતો.

હનુમા વિહારી – દિલ્હી કેપિટલ્સ ટીમે બે કરોડમાં ખરીદ્યો.