ચેન્નાઈ સુપર કિંગ્સ IPL-11 ચેમ્પિયન; સદીકર્તા શેન વોટસન બન્યો જીતનો હીરો

મુંબઈ – અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે આજે રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8-વિકેટથી હરાવીને આઈપીએલની 11મી મોસમનું વિજેતાપદ હાંસલ કરી લીધું છે. મહેન્દ્ર સિંહ ધોનીના સુકાનીપદ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે આ ત્રીજી વાર ટ્રોફી જીતી છે. ધોનીએ ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ લીધી હતી. હૈદરાબાદ ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં 6 વિકેટે 178 રનનો સ્કોર કર્યો હતો. તેના જવાબમાં ચેન્નાઈ ટીમે ઓપનર શેન વોટસનના અણનમ 117 રનના તોતિંગ યોગદાન સાથે 18.3 ઓવરમાં 2 વિકેટના ભોગે 181 રન કરીને મેચ જીતી લીધી હતી. વોટસને 51 બોલમાં 100 રન પૂરા કર્યા હતા જેમાં 8 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. ત્યારબાદ એણે બીજા ચાર ચોગ્ગા પણ ફટકાર્યા હતા. આઈપીએલની આ મોસમમાં આ તેની બીજી સદી હતી.

આઈપીએલની ચેમ્પિયન ટીમઃ

રાજસ્થાન રોયલ્સ – 2008

ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ – 2009

ચેન્નાઈ સુપર કિંગ્સ – 2010, 2011 અને 2018

કોલકાતા નાઈટ રાઈડર્સ – 2012 અને 2014

મુંબઈ ઈન્ડિયન્સ – 2013, 2015 અને 2017

સનરાઈઝર્સ હૈદરાબાદ – 2016

આજે રમાયેલી ફાઈનલમાં, ચેન્નાઈએ 16 રનના સ્કોર પર ફાફ ડુ પ્લેસી (10)ની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ વોટસન અને સુરેશ રૈના (32)ની જોડીએ 117 રનની ભાગીદારી કરી હતી. રૈનાની વિકેટ પડ્યા બાદ વોટસન અને અંબાતી રાયડુ (16)ની જોડીએ વધુ નુકસાન થવા દીધું નહોતું. વોટસને મારઝૂડ શરૂ કરી એ પહેલાં આશ્ચર્યજનક રીતે એ પોતાના પહેલા 10 બોલમાં એકેય રન કરી શક્યો નહોતો.

એ પહેલાં, હૈદરાબાદ ટીમે એના કેપ્ટન કેન વિલિયમ્સનના 47 રનની મદદથી પોતાના હિસ્સાની 20 ઓવરમાં 6 વિકેટે 178 રન કરીને ચેન્નાઈને જીત માટે 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો. યુસુફ પઠાણ 25 બોલમાં બે છગ્ગા, 4 ચોગ્ગા સાથે 45 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ગોસ્વામી 5, શિખર ધવન 26, શાકીબ અલ હસન 23, દીપક હુડા 3, કાર્લોસ બ્રેથવેટ 21 રન કરીને આઉટ થયો હતો.

આ જ મેદાન પર 22 મેએ રમાઈ ગયેલી ક્વોલિફાયર-1 મેચમાં ચેન્નાઈએ હૈદરાબાદને 2-વિકેટથી પરાજય આપ્યો હતો. ત્યારબાદ હૈદરાબાદની ટીમ ક્વોલિફાયર-2 મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 14-રનથી હરાવીને ફાઈનલમાં પહોંચી હતી અને ફરી ચેન્નાઈ સામે મુકાબલે ઉતરી હતી.

આઈપીએલની રમાઈ ગયેલી 11 મોસમમાં આ છઠ્ઠો અવસર હતો જ્યારે સ્પર્ધાની ફાઈનલમાં એવી બે ટીમ વચ્ચે મુકાબલો હતો જેઓ પોઈન્ટ્સ ટેબલમાં ટોચના બે સ્થાને રહી હતી. આ વખતે સનરાઈઝર્સ હૈદરાબાદ (18 પોઈન્ટ, +0.284 નેટ રનરેટ) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (18 પોઈન્ટ, +0.253 નેટ રનરેટ) પ્રથમ બે સ્થાને રહી હતી.

આ વખતની સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની મુખ્ય તાકાત એના બોલરો રહ્યા – રાશીદ ખાન, ભૂવનેશ્વર કુમાર, શાકિબ અલ હસન અને સિદ્ધાર્થ કૌલ. વિલિયમ્સને આ સીઝનમાં ફાઈનલ મેચ પૂર્વે સૌથી વધારે – 688 રન કર્યા હતા. જેમાં 58 ચોગ્ગા અને 26 છગ્ગાનો સમાવેશ થાય છે.

બીજી બાજુ, આ સીઝનમાં ચેન્નાઈ સુપરકિંગ્સની મુખ્ય તાકાત એના બેટ્સમેનો રહ્યા. જેમ કે, શેન વોટસન, સુરેશ રૈના, અંબાતી રાયડુ જોરદાર ફોર્મમાં રમ્યા તો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ફિનિશરની ભૂમિકા નિભાવી.

સેમ બિલિંગ્સ ઈજાગ્રસ્ત હોવાને કારણે એ ક્વોલિફાયર-1 મેચમાં રમી શક્યો નહોતો અને ફાફ ડુ પ્લેસીએ અણનમ 67 રન કરીને ચેન્નાઈ ટીમને ફાઈનલમાં પહોંચાડી હતી. એ મેચમાં ચેન્નાઈએ હૈદરાબાદને જ પરાજય આપ્યો હતો.
બોલિંગમાં, રાશીદ ખાન અને સિદ્ધાર્ધ કૌલ ફાઈનલ મેચ પૂર્વે 16-16 મેચમાં 21-21 વિકેટ લઈ ચૂક્યા હતા.

ફાઈનલ મેચ પૂર્વે હૈદરાબાદ અને ચેન્નાઈ વચ્ચે કુલ 9 મેચો રમાઈ હતી. એમાં ચેન્નાઈ 7માં અને હૈદરાબાદ બેમાં જીતી મેળવી હતી.

પ્લે-ઓફ્સમાં પણ ચેન્નાઈનો રેકોર્ડ જોરદાર રહ્યો હતો. એ 11માં જીતી હતી અને 7માં હારી હતી. તો હૈદરાબાદ 4માં જીત, 3માં હારી.

ચેન્નાઈ ટીમ કુલ 9 સ્પર્ધામાં રમી છે અને આ સાતમી વાર ફાઈનલમાં પ્રવેશી હતી. આ ટીમ સસ્પેન્શનને કારણે બે વખત સ્પર્ધા રમી શકી નહોતી.

કાર્લોસ બ્રેથવેટ

યુસુફ પઠાણ

કેન વિલિયમ્સન અને શિખર ધવન વચ્ચે બીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી

હૈદરાબાદનો કેપ્ટન કેન વિલિયમ્સન – 47 રન કરીને આઉટ