‘ઈંગ્લેન્ડમાં આપણો માત્ર એક જ બેટ્સમેન કેમ પરફોર્મ કરે છે?’: ગાંગુલીનો સવાલ

કોલકાતા – ઈંગ્લેન્ડની ધરતી પર પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી ભારતીય ટીમ 1-3થી શરમજનક રીતે હારી ચૂકી છે ત્યારે દેશભરમાં ક્રિકેટપ્રેમીઓ ટીમ ઈન્ડિયાનાં પરફોર્મન્સથી ચીડાઈ ગયાં છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ એમાંથી બાકાત નથી. એમણે આજે જણાવ્યું છે કે વિદેશપ્રવાસો વખતે ભારતીય ટીમની બેટિંગની વારંવાર થતી નિષ્ફળતા માટે હેડ કોચ રવિ શાસ્ત્રી તથા બેટિંગ કોચ સંજય બાંગડને જવાબદાર ગણવા જોઈએ.

સૌરવ ગાંગુલી, ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સંજય બાંગડ

ગાંગુલીએ કહ્યું છે કે ખાસ કરીને બાંગડે જવાબ આપવો જોઈએ કે શા માટે આપણો માત્ર એક જ બેટ્સમેન પરફોર્મ કરે છે જ્યારે બીજાં બેટ્સમેનો પીછેહઠ કરી ગયા છે.

ગાંગુલીએ કહ્યું છે કે, સાઉધમ્પ્ટનમાં ચોથી ટેસ્ટ મેચ 60-રનથી હારીને ભારત ઈંગ્લેન્ડ સામેની શ્રેણી હારી ચૂક્યું છે. વર્તમાન દાયકામાં ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવામાં ભારતીય ટીમ ફરી નિષ્ફળ ગઈ છે.

ગાંગુલીએ વધુમાં કહ્યું કે, હાલની ટીમના બેટ્સમેનો સસ્તામાં આઉટ થઈ જાય છે. તમે 2011થી જુઓ તો જણાશે કે વિદેશમાં આપણે દરેક મોટી શ્રેણીઓ ગુમાવી છે. ટીમના અન્ય બેટ્સમેનોની સરખામણીમાં વિરાટ કોહલી ક્રીઝ પર હોય છે ત્યારે એવું લાગે કે એ સાવ જુદા જ પ્રકારના બોલરો સામે રમી રહ્યો છે. આપણા હાલના બેટ્સમેનોની બેટિંગ ક્ષમતા સાવ તળિયે જતી રહી છે એવું મારું માનવું છે.