ભારતીય ક્રિકેટરોના લગ્નજીવનમાં ઝંઝાવાત

બોલીવૂડ અને ક્રિકેટ, આ બે ક્ષેત્ર ભારતમાં ખૂબ લોકપ્રિય છે. એવા કરોડો પ્રશંસકો છે જેઓ એમના માનીતા ફિલ્મી સિતારાઓ અને ક્રિકેટરોના ન્યૂઝ માટે સતત ઘેલાં રહેતા હોય છે. એવા ઘણા કિસ્સા જોવા મળ્યા છે જેમાં આ બે ક્ષેત્રની વ્યક્તિઓ નિકટ આવી હોય અને લગ્ન કર્યા હોય, પરંતુ એમાંના કેટલાકના લગ્નજીવનમાં ઝંઝાવાત પણ થયેલા જોવા મળ્યા છે.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું લગ્નજીવન ખોરંભે ચડી ગયું છે. એની ભૂતપૂર્વ મોડેલ પત્ની હસીન જહાંએ શમી પર વ્યભિચાર, ધાકધમકી, અત્યાચાર અને ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા છે અને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. હસીન જહાંએ જાહેરમાં આરોપ મૂક્યો છે કે શમીને ઘણી છોકરીઓ સાથે અનૈતિક સંબંધો છે અને એ આખી-આખી રાત છોકરીઓ સાથે ફેસબુક પર ચેટિંગ કરતો હોય છે. હસીન જહાંએ પોતાના દાવાના ટેકામાં શમીના ફોનના અમુક સ્ક્રીનશોટ્સ પોતાના ફેસબુક પેજ પર શેર કર્યા છે. જેમાં શમી અને કેટલીક છોકરીઓ સાથેની ચેટ જોવા મળી છે. શમીએ પત્નીએ કરેલા આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે પોતાની વિરુદ્ધ હસીનને કોઈક ચડાવી રહ્યું છે. શમીએ કહ્યું છે કે આ કિસ્સામાં સત્તાવાળાઓએ વ્યાપક તપાસ કરાવવી જોઈએ.

મોહમ્મદ શમીએ આઈપીએલમાં રમતી વખતે હસીન જહાંને જોઈ હતી અને પહેલી જ નજરે એને દિલ દઈ બેઠો હતો. હસીન પણ શમીની નિકટ આવી હતી અને બંને જણનો પ્યાર અંતે લગ્નમાં ફેરવાયો હતો. બંનેને એક દીકરી છે. આ બંનેનો મામલો છૂટાછેડામાં પરિણમશે કે બંને જણ સમાધાન કરીને ફરી એમના લગ્નજીવનમાં ઠરીઠામ થઈ જશે એ તો સમય જ કહેશે, પણ ભારતીય ક્રિકેટ ક્ષેત્રની મોટી હસ્તીઓ લગ્નેતર સંબંધોમાં ફસાઈ હોય એવો આ પહેલો પ્રસંગ નથી. આ પહેલાં પણ અનેક સેલિબ્રિટીઝ આવા કિસ્સાઓમાં ફસાઈ ચૂકી છે.

મોહમ્મદ શમી પૂર્વે ભારતના આ ક્રિકેટરો પણ એમની પત્ની સાથે વિવાદમાં સપડાઈ ચૂક્યા છે અને બે લગ્ન કરવા પડ્યા છે…

દિનેશ કાર્તિક

ટીમ ઈન્ડિયાના ચેન્નાઈનિવાસી વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક અને નિકિતા વણઝારા બાળપણના મિત્રો હતા. બંનેના પરિવારો પણ એકબીજાની નિકટ હતા. કાર્તિક અને નિકિતાએ 2007માં લગ્ન કર્યા હતા અને એમનું જીવન બરાબર ચાલતું હતું, પણ 2012માં આઈપીએલ-5 દરમિયાન મુરલી વિજય સાથે સંપર્ક થતાં નિકિતા એની પ્રત્યે આકર્ષાઈ હતી. કાર્તિકને જ્યારે ખબર પડી નિકિતાને ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અને પોતાના જ દોસ્ત મુરલી વિજય સાથે અનૈતિક સંબંધ છે. એને પગલે કાર્તિક અને નિકિતા વચ્ચે ઘર્ષણ થયું હતું અને બંને જણે છૂટા પડવાનો નિર્ણય લીધો હતો. છૂટાછેડા થયા ત્યારે નિકિતા ગર્ભવતી હતી. 2012માં કાર્તિકથી છૂટાછેડા લીધા બાદ નિકિતાએ તરત જ મુરલી વિજય સાથે લગ્ન કર્યા હતા. નિકિતા-મુરલી આનંદથી રહે છે. એમને ત્રણ સંતાન છે – બે પુત્ર અને એક પુત્રી. કાર્તિકે 2015માં સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા હતા અને એ બંને પણ આનંદથી રહે છે.

મોહમ્મદ અઝહરુદ્દીન

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનું લગ્નજીવન ભારે ઉથલપાથલવાળું રહ્યું છે. એણે બે વાર લગ્ન કર્યા છે, પણ બંનેમાં એને છૂટાછેડા લેવા પડ્યા છે. એના પહેલા લગ્ન નૌરીન સાથે થયા હતા. નૌરીનથી એને બે પુત્ર થયા હતા. અઝહરે નૌરીનને તલાક આપીને બોલીવૂડ અભિનેત્રી સંગીતા બિજલાની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 2010માં અઝહર અને બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા સાથે અફેરના સમાચાર ચગ્યા બાદ સંગીતાએ અઝહરને છૂટાછેડા આપી દીધા હતા.

વિનોદ કાંબલી

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલીનું લગ્નજીવન પણ વિવાદાસ્પદ રહ્યું છે. એણે 1998માં નોએલા લૂઈસ સાથે લગ્ન કર્યા હતા, પણ ફેશન મોડેલ એન્ડ્રિયા હેવિટ સાથે કાંબલીના રોમાન્સની વાતોને કારણે નોએલા સાથે એનું લગ્નજીવન લાંબું ચાલ્યું નહીં અને બંનેએ છૂટાછેડા લીધા. ત્યારબાદ 2006માં કાંબલીએ એન્ડ્રિયા હેવિટ સાથે લવમેરેજ કર્યા હતા, પરંતુ કાંબલીની આદતોને કારણે એ બંને વચ્ચે પણ અણબનાવ રહેતો હતો અને બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. પરંતુ બાદમાં કાંબલીને પોતાની ભૂલ સમજાઈ હતી અને કાંબલી-એન્ડ્રિયાએ ફરી સાથે થવાનો નિર્ણય લીધો હતો અને 2017માં એમણે ફરી લગ્ન કર્યા હતા. એમને એક પુત્ર છે.

જાવાગલ શ્રીનાથ

ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જાવાગલ શ્રીનાથે એની પહેલી પત્ની જ્યોત્સનાને છૂટાછેડા આપીને 2008માં પત્રકાર માધવી સાથે લગ્ન કર્યા હતા.