વેસ્ટઈન્ડિઝનો ઈનિંગ અને 272 રને પરાજય, ટેસ્ટ ઈતિહાસમાં ભારતની સૌથી મોટી જીત

રાજકોટ- ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રાજકોટમાં રમાઈ ગયેલી પ્રથમ ટેસ્ટનું પરિણામ અઢી દિવસમાં જ આવી ગયું છે. ભારતે મહેમાન ટીમને એક દાવ અને 272 રને પરાજય આપ્યો છે. ટેસ્ટ મેચના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે. આ અગાઉ ભારતે અફઘાનિસ્તાનને એક દાવ અને 262 રને પરાજય આપ્યો હતો.આ પહેલાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં પહેલા દાવમાં 9 વિકેટે 649 રન કરીને દાવ ડિક્લેર કર્યો હતો. જવાબમાં વેસ્ટઈન્ડિઝનો પ્રથમ દાવ 181 રને સમેટાઈ જતાં તેને ફોલોઓનની ફરજ પડી હતી. બીજા દાવમાં પણ પોવેલ સિવાય કોઈ ખેલાડી ભારતીય બોલર્સ સામે ટકી શક્યો નહતો. અને પ્રવાસી ટીમ 196 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી બીજી ઇનિંગમાં કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી હતી.

પહેલી ઈનિંગના આધારે ભારતને 468 રનની લીડ મળી હતી. ભારતીય ટીમના ત્રણ ખેલાડીઓ પૃથ્વી શો, કેપ્ટન વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ તેની 24મી ટેસ્ટ સદી પુરી કરી હતી. રવિન્દ્ર જાડેજાએ બેટિંગ બાદ બોલિંગમાં પણ સારું પ્રદર્શન કરીને મેચમાં કુલ 4 વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિને મેચમાં કુલ 7 અને કુલદીપ યાદવે 6 વિકેટ લીધી હતી.