રાજકોટ ટેસ્ટ: ટીમ ઈન્ડિયા ‘ડ્રાઈવિંગ સીટ’ પર, વેસ્ટઈન્ડિઝ પર ફોલોઓનનું સંકટ

રાજકોટ- ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ ઈનિંગમાં 9 વિકેટે 649 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં વેસ્ટઈન્ડીઝની શરુઆત નિરાશાજનક રહી હતી. બીજા દિવસના અંતે પ્રવાસી ટીમે તેની પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ ગુમાવી 94 રન બનાવ્યા. ભારતના 649 રનથી વેસ્ટઈન્ડિઝ હજી પણ 555 રન પાછળ છે.વેસ્ટઈન્ડિઝ તરફથી કેપ્ટન ક્રેગ બ્રેથવેટ અને કેરોન પોવેલે દાવની શરુઆત કરી હતી. પરંતુ ત્રીજી ઓવરમાં જ મોહમ્મદ શમીએ બ્રેથવેટને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા આપાવી હતી. ત્યારબાદ શમીએ કેરોન પોવેલને એલબીડબ્લ્યુ કરીને વેસ્ટઈન્ડિઝને બીજો ઝાટકો આપ્યો હતો. પોવેલ 1 રન બનાવી આઉટ થયો હતો.

આ પહેલા ટીમ ઈન્ડિયાએ તેનો પ્રથમ દાવ 9 વિકેટે 649 રને ડિકલેર કર્યો હતો. ટીમ ઇન્ડિયા વતી ઓપન બેટ્સમેન પૃથ્વી શૉએ 134 રન, કેપ્ટન વિરાટ કોહલીએ 139 રન અને રવીન્દ્ર જાડેજાએ 100 નોટઆઉટ રન બનાવ્યા હતા. આ સિવાય ઋષભ પંત અને ચેતેશ્વર પુજારા સદી નજીક પહોચ્યા હતા. જેણે અનુક્રમે 92 અને 86 રન બનાવ્યા હતા.

બેટ્સમેન બાદ ભારતના બોલર્સ પણ છવાયા

મોહમ્મદ શમીએ 6 ઓવરમાં 11 રન આપી બે ઓપનર્સને પેવેલિયન ભેગા કર્યા હતા. આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે પણ એક-એક વિકેટ ઝડપી હતી. ભારતના બોલર સામે વેસ્ટઈન્ડિઝના એક પણ બેટ્સમેન ટકી શક્યા નહતા. મેચના ત્રીજા દિવસે ભારતના બોલર્સ પ્રવાસી ટીમને વહેલી આઉટ કરી ફોલોઓન કરવાનો પ્રયાસ કરશે.