ભારત સામે પાંચમી ટેસ્ટમાં બટલર, બોલરોએ ઈંગ્લેન્ડની સ્થિતિ મજબૂત બનાવી

લંડન – અહીં કેનિંગ્ટન ઓવલ મેદાન ખાતે રમાતી પાંચમી અને સીરિઝની છેલ્લી ટેસ્ટ મેચમાં ભારત સામે ઈંગ્લેન્ડની સ્થિતિ મજબૂત બની છે. ઈંગ્લેન્ડે પહેલા દાવમાં 332 રન કર્યા બાદ ગઈ કાલે બીજા દિવસને અંતે ભારતના પહેલા દાવમાં, ભારતની 6 વિકેટ પાડી દીધી હતી જેમાં કેપ્ટન વિરાટ કોહલી (49)નો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ભારતે પહેલા દાવમાં 174 રન કરી લીધા છે. ઈંગ્લેન્ડ કરતાં તે હજી 158 રન પાછળ છે.

ભારત આ સીરિઝ 1-3થી હારી ચૂક્યું છે.

ઈંગ્લેન્ડે પહેલા દાવમાં તેની પહેલી સાત વિકેટ 200 રન પૂર્વે જ ખોઈ દીધી હતી, પણ જોસ બટલરે ભારતના બોલરોનો સામનો કરીને 133 બોલમાં 89 રન કરીને તેની ટીમને 300નો આંક પાર કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એણે પોતાના દાવમાં છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. એ સૌથી છેલ્લા બેટ્સમેનના રૂપમાં આઉટ થયો હતો. બટલર ઉપરાંત આદિલ રશીદ (15) અને સ્ટુઅર્ટ બ્રોડ (38)ના પ્રતિકારને કારણે ઈંગ્લેન્ડ 151 રન ઉમેરી શક્યું હતું.

ત્યારબાદ બીજા દિવસના અંતિમ સત્રમાં જેમ્સ એન્ડરસન તથા સાથી બોલરોએ ભારતની પાંચ વિકેટ પાડી દીધી હતી. આમ, આ મેચ હાલને તબક્કે ઈંગ્લેન્ડની તરફેણમાં આવી ગઈ છે.

કારકિર્દીની પહેલી જ ટેસ્ટ મેચ રમતો હનુમા વિહારી 25 રન અને રવિન્દ્ર જાડેજા 8 રન સાથે દાવમાં હતો.

જાડેજાએ અગાઉ, ઈંગ્લેન્ડના દાવમાં, 79 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી અને તે ભારતનો બેસ્ટ બોલર બન્યો હતો. બે ફાસ્ટ બોલર – જસપ્રીત બુમરા અને ઈશાંત શર્માએ 3-3 વિકેટ લીધી હતી.