કોહલીની વિનંતીને માન આપી આમિર ત્રીજી T20 મેચમાં હાજર રહેશે

શુક્રવાર, 13 ઓક્ટોબરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને વર્તમાન સિરીઝની છેલ્લી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમાશે. આ મેચમાં દર્શકો માટે એક નવું આકર્ષણ હશે – બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાનની સ્ટેન્ડમાં હાજરી.

આમિર ખાન અને ભારતીય ક્રિકેટ ટીમોનો સફળતમ સુકાની વિરાટ કોહલી હાલમાં જ એક કાર્યક્રમ વખતે સાથે ઉપસ્થિત રહ્યા હતા અને એ દરમિયાન બંને જણે એકબીજા સાથે વાતચીત કરી હતી.

આમિર સાથે વાત કરવાથી કોહલીને પણ જાણવા મળ્યું કે આ અભિનેતા ક્રિકેટની રમતનો મોટો પ્રેમી છે અને પોતાના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ પોતે કોઈને કોઈ મેચ જોવા માટે સમય કાઢી લેતો હોય છે.

એ જાણ્યા બાદ કોહલીએ આમિરને આમંત્રણ આપ્યું હતું કે તમે હૈદરાબાદમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી T20I મેચ જોવા આવો. કોહલીના આમંત્રણનો આમિરે તરત જ સ્વીકાર કરી લીધો હતો.

હવે અન્ય હજારો દર્શકોની સાથે આમિર પણ શુક્રવારે આ મેચ સ્ટેડિયમમાં બેસીને લાઈવ જોવાનો આનંદ માણશે. મેચ સાંજે સાત વાગ્યાથી શરૂ થશે.

આમિર અભિનીત અને નિર્મિત નવી હિન્દી ફિલ્મ ‘સીક્રેટ સુપરસ્ટાર’ આવતી 19 ઓક્ટોબરે દેશભરમાં રિલીઝ થવાની છે. આમિર ફિલ્મના પ્રચાર માટે આમ પણ હૈદરાબાદના પ્રવાસે આવવાનો જ હતો. હવે તે 13 ઓક્ટોબરે ક્રિકેટ મેચ જોવાની મજા માણશે.

આમિરને હૈદરાબાદની વાનગીઓ બહુ ભાવે છે. ખાસ કરીને ત્યાંની બિરયાની એને ખૂબ પસંદ છે.

આમિરની ‘સીક્રેટ સુપરસ્ટાર’ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે ઝાયરા વાસીમ. તે પણ આમિરની સાથે શુક્રવારે સ્ટેડિયમમાં બેસીને લાઈવ મેચનો આનંદ માણશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા, બંને ટીમ સિરીઝમાં 1-1 મેચ જીતી ચૂકી છે અને સિરીઝ સમાન છે. આમ, શુક્રવારની મેચ સિરીઝ નિર્ણાયક હોવાથી રોમાંચક બની રહેશે એમાં કોઈ શંકા નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]