મળો, આર્ચી શિલરને… એ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમનો 7-વર્ષીય સહ-કેપ્ટન છે

મેલબર્ન – પર્થમાં રમાઈ ગયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતને 146 રનથી હરાવીને ચાર મેચોની સીરિઝને 1-1થી સમાન કરવામાં સફળ રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ હવે 26 ડિસેંબરથી અહીંના એમસીજી ખાતે ભારત સામે ત્રીજી મેચ રમશે. એ મેચ માટે પોતાની ટીમમાં ઓસ્ટ્રેલિયાએ એક મોટો ફેરફાર કર્યો છે.

ઓસ્ટ્રેલિયાએ લેગસ્પિનર આર્ચી શિલરને ટીમમાં 15મા ખેલાડી તરીકે ઉમેર્યો છે. આમાં નવાઈની વાત એ છે કે આર્ચી શિલર માત્ર 7-વર્ષનો જ છે.

શિલરે એડીલેડમાં રમાઈ ગયેલી પહેલી ટેસ્ટ મેચ પૂર્વે ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ સાથે નેટ પ્રેક્ટિસમાં ભાગ લીધો હતો. એ જ વખતે નક્કી થઈ ગયું હતું કે આર્ચીને ત્રીજી ટેસ્ટ મેચ માટેની ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવશે.

શિલરને મેલબર્ન ટેસ્ટ માટેની ટીમમાં સામેલ કરાયો હોવાના અહેવાલોને ટીમના કેપ્ટન અને વિકેટકીપર ટીમ પેઈને સમર્થન આપ્યું છે.

શિલરને જ્યારે આની જાણકારી આપવામાં આવી હતી ત્યારે એણે ઓસ્ટ્રેલિયન ટીમના કોચ જસ્ટિન લેન્ગરને કહ્યું હતું કે હું વિરાટ કોહલીને આઉટ કરી બતાવીશ.

અગાઉ, Cricket.com.au સાથેની વાતચીતમાં શિલરે કહ્યું હતું કે એની ઈચ્છા ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન બનવાની છે.

હવે સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે અને ક્રિકેટપ્રેમી બાળક શિલર માટે નાતાલની ઉજવણી જાણે વહેલી આવી ગઈ છે. આર્ચીએ હજી ગયા શનિવારે જ એનો સાતમો જન્મદિવસ ઉજવ્યો હતો.

શિલર એડીલેડનો વતની છે. એ હવે મેલબર્ન ટેસ્ટમાં ઓફ્ફ સ્પિનર નેથન લિયોનને સ્પિન આક્રમણમાં સાથ આપશે.

હકીકતમાં વાત એમ છે કે આર્ચીને હૃદયની ગંભીર બીમારી છે. બે વાર એની હાર્ટ સર્જરી કરવામાં આવી ચૂકી છે અને એ ખુશ રહે એ માટે, એની ઈચ્છા પૂરી થાય એ માટે એને ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, એને સહ-કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે.

આર્ચીને ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવ્યો હોવાની જાણ કોચ લેન્ગરે ફોન કોલ દ્વારા કરી હતી. એ કોલ પર વાત સાંભળીને આર્ચી ખૂબ ખુશ થઈ ગયો હતો અને એણે લેન્ગરને કહ્યું હતું કે હું કોહલીને આઉટ કરી બતાવીશ.

આર્ચી જ્યારે ત્રણ મહિનાનો જ હતો ત્યારે એના હૃદયની હાલત નાજુક હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું અને એની તાકીદની સર્જરી કરવાનું એના માતા સારાહ અને પિતા ડેમિયનને કહ્યું હતું. એ સર્જરી સાતેક કલાક સુધી ચાલી હતી. એ સર્જરીના છ મહિના બાદ આર્ચીને ફરી હાર્ટની તકલીફ ઊભી થઈ હતી અને નિષ્ણાત ડોક્ટરોએ ફરી સર્જરી કરીને આર્ચીના હૃદયના વાલ્વમાંની ખામી દૂર કરી હતી. તે છતાં, ગયા જ વર્ષે આર્ચીની તબિયત ફરી બગડી હતી અને એને ફરી હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. ત્યાં ડોક્ટરોએ આર્ચીના માતાપિતાને કહ્યું હતું કે આર્ચીની ઓપન-હાર્ટ સર્જરી કરવી પડશે, પરંતુ આ ઓપરેશન સફળ રહેશે કે કેમ એની કોઈ ગેરન્ટી નથી અને તમારે દીકરો ગુમાવવો પડે એવું જોખમ પણ રહેશે. આર્ચીના માતાપિતા આ ઓપરેશનની તૈયારી કરી રહ્યા છે. આર્ચીને એના પિતાએ પૂછ્યું હતું કે તારી ઈચ્છા શું છે? ત્યારે આર્ચીએ કહ્યું કે મારે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના કેપ્ટન બનવું છે. ‘મેક અ વિશ ફાઉન્ડેશન’ નામની એક સેવાભાવી સંસ્થાને જ્યારે આની ખબર પડી ત્યારે એણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડનો સંપર્ક કરી ટીમના કેપ્ટન બનવાની આર્ચીની ઈચ્છા પૂરી કરવાનો સંકલ્પ કર્યો હતો.

હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ‘મેક અ વિશ ફાઉન્ડેશન’ સાથે મળીને આર્ચી શિલરને ઓસ્ટ્રેલિયાની ટીમનો સહ-કેપ્ટન બનાવીને આર્ચીની ઈચ્છાને પૂરી કરી દીધી છે. એને ટીમનું જર્સી અને કેપ પણ આપવામાં આવ્યા છે.

ટીમ પેઈને યારા પાર્કમાં આયોજિત એક કાર્યક્રમમાં આર્ચીને ટીમના સહ-કેપ્ટન બનાવ્યાની જાહેરાત કરી હતી. એ વખતે વિરાટ કોહલી પણ હાજર હતો.

15-15 સભ્યોની બંને ટીમ આ મુજબ છેઃ

ઓસ્ટ્રેલિયા ટીમઃ ટીમ પેઈન (કેપ્ટન, વિકેટકીપર), જોશ હેઝલવૂડ, મિચેલ માર્શ, પેટ કમિન્સ, આરોન ફિન્ચ, પીટર હેન્ડ્સકોમ્બ, માર્કસ હેરિસ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, નેથન લિયોન, શૌન માર્શ, પીટર સિડલ, મિચેલ સ્ટાર્ક અને આર્ચી શિલર.

ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, હનુમા વિહારી, રોહિત શર્મા, રિષભ પંત (વિકેટકીપર), પાર્થિવ પટેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર.

httpss://twitter.com/MakeAWishAust/status/1076691677400596480

httpss://twitter.com/cricketcomau/status/1076350741722193925

httpss://twitter.com/cricketcomau/status/1076772658589495296

httpss://twitter.com/cricketcomau/status/1076731627240222720

httpss://twitter.com/cricketcomau/status/1076350741722193925

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]