હોકી વર્લ્ડ કપઃ પહેલી જ ગ્રુપ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 5-0થી કચડી નાખ્યું

ભૂવનેશ્વર – અહીંના કલિંગા સ્ટેડિયમ ખાતે રમાતી હોકી વર્લ્ડ કપ-2018 સ્પર્ધામાં આજે ભારતે ગ્રુપ-Cમાં તેની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 5-0ના સ્કોરથી કચડી નાખ્યું છે.

ભારતે તેની આ મેચમાં ત્રણ ફિલ્ડ ગોલ કર્યા હતા અને બે ગોલ પેનલ્ટી કોર્નરની મદદથી કર્યા હતા.

વિશ્વમાં પાંચમી રેન્ક ધરાવતી ભારતીય ટીમના જોરદાર પરફોર્મન્સ સામે દક્ષિણ આફ્રિકા ટીમ કોઈ વિસાતમાં રહી નહોતી.

સિમરનજીત સિંહે 43 અને 46મી મિનિટે, એમ બે ગોલ કર્યા હતા જ્યારે લલિત ઉપાધ્યાયે 45મી મિનિટે, આકાશદીપ સિંહે 12મી મિનિટે અને મનદીપ સિંહે 10મી મિનિટે ગોલ કર્યો હતો.

સિમરનજીત સિંહને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

ભારતનો હવે પછીનો મુકાબલો બીજી ડિસેમ્બરે બેલ્જિયમ સામે થશે જે વિશ્વમાં ત્રીજી રેન્ક ધરાવે છે.