પહેલી બે ટેસ્ટમાં રહાણેને ન રમાડવાના નિર્ણયનો કોચ શાસ્ત્રીએ બચાવ કર્યો

જોહનીસબર્ગ – દક્ષિણ આફ્રિકામાં પહેલી બે ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમમાંથી વાઈસ-કેપ્ટન અને મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણેને બાકાત રાખવાના ટીમ મેનેજમેન્ટના નિર્ણયનો ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ આજે બચાવ કર્યો છે અને કહ્યું છે કે રોહિત શર્માનું ફોર્મ જોતાં એ બેસ્ટ વિકલ્પ હતો.

કેપ ટાઉન અને સેન્ચુરિયન શહેરોમાં રમાઈ ગયેલી પહેલી બે ટેસ્ટ મેચમાં હારી જવાથી ભારત ત્રણ-મેચોની સિરીઝને ગુમાવી ચૂક્યું છે.

પત્રકારો સાથેની વાતચીતમાં ટીમની પસંદગીની નીતિ વિશેના સવાલના જવાબમાં શાસ્ત્રીએ કહ્યું કે, ધારો કે અજિંક્ય (રહાણે) પહેલી ટેસ્ટમાં સામેલ કરાયો હોત અને એ સારું રમ્યો ન હોત તો તમે મને એ જ સવાલ પૂછ્યો હોત કે રોહિત શર્માને કેમ રમાડ્યો નહોતો. વાસ્તવમાં, રોહિત સારું રમી રહ્યો હતો, પણ એ બંને ટેસ્ટમાં સારું રમ્યો નહીં તેથી હવે તમે મને એમ પૂછો છો કે અજિંક્યને કેમ રમાડ્યો નહોતો.

આમ, રહાણેને બંને ટેસ્ટ માટેની ટીમમાં સામેલ ન કરવાના ટીમ મેનેજમેન્ટના નિર્ણયનો શાસ્ત્રીએ જોરદાર રીતે બચાવ કર્યો હતો.

દક્ષિણ આફ્રિકા સામે પહેલી બેઉ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના થયેલા પરાજય માટે શાસ્ત્રીએ પ્રેક્ટિસના અભાવનું કારણ આપ્યું છે. એમણે કહ્યું કે, સિરીઝના આરંભ પૂર્વે જો ભારતીય ખેલાડીઓને દક્ષિણ આફ્રિકામાંના હવામાનમાં થોડાક વધારે દિવસો પ્રેક્ટિસ કરવા મળ્યા હોત તો ઘણો ફરક પડ્યો હોત.

ભવિષ્યમાં જ્યારે ભારતીય ટીમ કોઈ વિદેશ પ્રવાસે જશે ત્યારે કાર્યક્રમમાં પ્રેક્ટિસ મેચોની સંખ્યા વધારે રાખવાના વિકલ્પ વિશે વિચારવામાં આવશે.

ભારત હવે ત્રીજી અને સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ આવતા બુધવારથી અહીંના વોન્ડરર્સ સ્ટેડિયમ ખાતે રમવાની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]