ભારતે પહેલી T20Iમાં ઈંગ્લેન્ડને 8-વિકેટથી હરાવ્યું: રાહુલની સદી, કુલદીપ MoM

માન્ચેસ્ટર – ત્રણ મેચોની સિરીઝની ગઈ કાલે અહીં ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે રમાઈ ગયેલી પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 8-વિકેટથી સજ્જડ પરાજય આપ્યો હતો અને સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે.

ડાબોડી ચાઈનામેન બોલર કુલદીપ યાદવ મેન ઓફ ધ મેચ

વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલાં ઈંગ્લેન્ડને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ઈંગ્લેન્ડે તેના હિસ્સાની 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 159 રન કર્યા હતા.

ભારતે લોકેશ રાહુલની અણનમ સદી (54 બોલમાં 101 રન)ની મદદથી 18.2 ઓવરમાં બે વિકેટના ભોગે 163 રન કરીને મેચ જીતી લીધી હતી. રાહુલે તેના દાવમાં 10 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. કોહલી 20 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. શિખર ધવન 4 અને રોહિત શર્મા 32 રન કરીને આઉટ થયો હતો.

લોકેશ રાહુલ

ઈંગ્લેન્ડની બેટિંગમાં ગાબડાં પાડીને ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. એણે 4 ઓવરમાં 24 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આમાંની 3 વિકેટ એણે એક જ ઓવરમાં પાડી હતી. એમાંના બે જણ – જોની બેરીસ્ટો અને જો રૂટને એણે સતત બે બોલમાં મહેન્દ્ર સિંહ ધોની દ્વારા સ્ટમ્પ આઉટ કરાવ્યા હતા. એની પહેલાં એલેક્સ હેલ્સ (8)ને ક્લીન બોલ્ડ કર્યો હતો.

ટ્વેન્ટી-20 ક્રિકેટની મેચમાં પાંચ વિકેટ લેનાર કુલદીપ યાદવ પહેલો ડાબોડી બોલર બન્યો છે.

ઈંગ્લેન્ડના દાવમાં વિકેટકીપર જોસ બટલર 69 રન કરીને ટોપ સ્કોરર રહ્યો હતો.

સિરીઝની બીજી મેચ 6 જુલાઈએ કાર્ડિફમાં રમાશે.