પહેલી ટેસ્ટઃ શૉ, સહાનો ઈલેવનમાં સમાવેશ

એડીલેડઃ આવતીકાલથી અહીં એડીલેડ ઓવલ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી પહેલી ટેસ્ટ મેચ માટે ભારતની ઈલેવનની જાહેરાત કરવામાં આવી છે. ઓપનર પૃથ્વી શૉ અને વિકેટકીપર-બેટ્સમેન રિદ્ધિમાન સહાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમમાં અશ્વિન એકમાત્ર સ્પિનર છે. ત્રણ ફાસ્ટ બોલરને પસંદ કરાયા છે. વિકેટકીપરની કામગીરી માટે રિષભ પંતને બદલે રિદ્ધિમાન સહાને પસંદ કરવામાં આવ્યો છે.

પહેલી ટેસ્ટ, જે ડે-નાઈટ હશે અને ગુલાબી રંગના બોલથી રમાશે, તે ભારતીય સમય મુજબ સવારે 9.30 વાગ્યે શરૂ થશે તે માટેની ભારતીય ઈલેવનઃ પૃથ્વી શૉ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), હનુમા વિહારી, રિદ્ધિમાન સહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ. બીજી ટેસ્ટ મેચ 25 ડિસેમ્બરથી મેલબર્નમાં રમાશે. અને ત્યારબાદ ત્રીજી અને ચોથી મેચ અનુક્રમે સિડની અને બ્રિસ્બેનમાં 6 જાન્યુઆરી અને 15 જાન્યુઆરીથી રમાશે.