હરમનપ્રીત કૌરની વિક્રમી હિટિંગઃ WT20માં ભારતનો વિજયી પ્રારંભ

ગયાના (વેસ્ટ ઈન્ડિઝ) – ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કેરિબિયન ધરતી પર શુક્રવારથી શરૂ થયેલી મહિલાઓની ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધામાં શાનદાર જીત સાથે પ્રારંભ કર્યો છે. અહીંના પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી સ્પર્ધાની પ્રારંભિક મેચમાં ભારતે તેની કેપ્ટન હરમનપ્રીત કૌરની વિક્રમસર્જક સદીના જોરે ન્યુ ઝીલેન્ડ પર 34-રનથી વિજય હાંસલ કર્યો હતો.

હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હરમનપ્રીત કૌરનાં માત્ર 51 બોલમાં 103 રનની મદદથી ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 194 રન કર્યા હતા. તેના જવાબમાં ન્યુ ઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 160 રન કરી શકી હતી.

મહિલાઓની ટ્વેન્ટી-20 ક્રિકેટમાં ભારત વતી સદી ફટકારનાર હરમનપ્રીત કૌર પહેલી જ ખેલાડી બની છે. એણે પોતાની સદી માત્ર 49 બોલમાં પૂરી કરી હતી, જે આ ફોર્મેટમાં ત્રીજા નંબરની ફાસ્ટેસ્ટ બની છે. હરમનપ્રીત કૌરે તેના દાવમાં 8 છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા હતા. મહિલાઓની ટ્વેન્ટી-20 ક્રિકેટમાં સદી ફટકારનાર હરમનપ્રીત કૌર દુનિયાની ત્રીજી કેપ્ટન બની છે અને મહિલાઓની T20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર ત્રીજી ખેલાડી છે.

તાન્યા ભાટિયા (9) અને સ્મૃતિ મંધાના (2)એ દાવનો પ્રારંભ કર્યો હતો. એક સમયે ભારતે 40 રનમાં 3 વિકેટ ખોઈ દીધી હતી. ડી. હેમલતા 15 રન કરીને આઉટ થઈ હતી. વર્લ્ડ કપમાં પોતાની પહેલી જ મેચ રમતી જેમિમા રોડ્રિગ્ઝ (59) સાથે કેપ્ટન કૌર જોડાઈ હતી અને બંનેએ મળીને સ્કોરને 174 પર પહોંચાડી દીધો હતો. રોડ્રિગ્ઝે એક છેડો સંભાળી રાખ્યો હતો જેથી એની કેપ્ટન કૌર એની આગવી સ્ટાઈલમાં ઝંઝાવાતી ફટકાબાજી કરી શકે. કૌરે પહેલાં 13 બોલમાં માત્ર પાંચ રન જ કર્યા હતા, પણ પહેલી સિક્સર ફટકારવામાં સફળતા મળ્યાં બાદ એ કિવી બોલરો પર તૂટી પડી હતી. દાવની 14મી ઓવરમાં ભારતે સદી પૂરી કરી હતી.

કૌરે મોટે ભાગે લેગ સાઈડ પર આક્રમક ફટકા માર્યા હતા. એણે પોતાનાં 50 રન 33 બોલમાં પૂરા કર્યા હતા. જેમાંના 45 રન માત્ર 20 બોલમાં થયા હતા.

મહિલાઓની વર્લ્ડ કપ ટ્વેન્ટી-20 સ્પર્ધામાં ભારતે કરેલો 194-5 સ્કોર હાઈએસ્ટ ટીમ સ્કોર બન્યો છે.

ન્યુ ઝીલેન્ડના દાવમાં એકમાત્ર ઓપનર સૂઝી બેટ્સ 67 રન કરીને ભારતની બોલરોને ટક્કર આપી શકી હતી. વિકેટકીપર કેટી માર્ટિને 39 રન કર્યા હતા. કેપ્ટન એમી સેટરવેઈટ 3 રન કરી શકી હતી. ન્યુ ઝીલેન્ડને ટાર્ગેટ સુધી પહોંચવા ન દેવામાં ડી. હેમલતા અને પૂનમ યાદવે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બંનેએ 3-3 વિકેટ લીધી હતી. રાધા યાદવે બે અને અરુંધતિ રેડ્ડીએ એક બેટ્સવુમનને આઉટ કરી હતી.

10 ટીમોને બે ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે. ભારત B-ગ્રુપમાં છે. એની સાથે ન્યુ ઝીલેન્ડ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને આયરલેન્ડ છે. આ ગ્રુપની એક અન્ય મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને પરાજય આપ્યો છે.

A-ગ્રુપમાં વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ છે. આ ગ્રુપની પહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશને પરાજય આપ્યો હતો.

ભારતીય ટીમ હવે 11 નવેમ્બરે પાકિસ્તાન સામે રમશે.

ફાઈનલ મેચ 24 નવેમ્બરે એન્ટીગાના નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાશે.

પ્લેયર ઓફ ધ મેચઃ હરમનપ્રીત કૌર

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]