ICC ટેસ્ટ રેન્કિંગઃરોહિત શર્માને પાછળ રાખી મયંક અગ્રવાલ ટોપ ટેનમાં

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર મયંક અગ્રવાલે આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટૉપ 10માં સ્થાન મેળવ્યું છે. મંગળવારે આઈસીસી દ્વારા લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું. ટૉપ 10 બેટ્સમેનના રેન્કિંગમાં ભારતીય ટીમના 4 પ્લેયર્સને સ્થાન મળ્યું છે.

આઈસીસીના ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પ્રથમ પાંચ સ્થાનમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ પ્રથમ સ્થાન પર જ્યારે ભારતનો વિરાટ કોહલી બીજા સ્થાન પર યથાવત છે. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન ત્રીજા સ્થાન પર જ્યારે ભારતનો ચેતેશ્વર પૂજારા ચોથા સ્થાન પર છે. ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે પાંચમાં સ્થાન પર છે.

મયંકે પ્રથમ વખત ટોપ 10માં મેળવ્યું સ્થાન

સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરિઝમાં બેવડી સદી ફટકારનાર મયંક અગ્રવાલે બાંગ્લાદેશ સામે પણ પહેલી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી. આ શાનદાર પ્રદર્શન માટે આઈસીસીના રેન્કિંગમાં તેને સ્થાન મળ્યું છે. મયંક અગ્રવાલ 13મા સ્થાનથી 10 નંબર પર પહોંચી ગયો છે. માત્ર 9 ટેસ્ટ મેચ રમનાર ભારતીય ઑપનરનું આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ રેન્કિંગ છે. મંગળવારે જાહેર કરવામાં આવેલ આઈસીસી ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં રોહિત શર્માને ત્રણ ક્રમનું નુક્સાન થયું છે. રોહિત શર્મા ટૉપ 10માંથી બહાર થઈને 13મા નંબર પર પહોંચી ગયો છે.

બોલિંગ રેન્કિંગની વાત કરીએ તો બાંગ્લાદેશ સામે ઉમદા બોલિંગ કરનાર ઈશાંત શર્મા અને ઉમેશ યાદવને ફાયદો થયો છે. ઈશાંત 22માંથી 17મા નંબર પર જ્યારે ઉમેશ 24 પરથી 21મા નંબર પર પહોંચી ગયો છે. જ્યારે મોહમ્મદ શમીને ફાયદો થયો છે, તે 15મા નંબર પરથી 11મા નંબર પર પહોંચી ગયો છે.

આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયામો પેટ કમિંસ પ્રથમ જ્યારે સાઉથ આફ્રિકાનો કગીસો રબાડા બીજા નંબર પર છે. ન્યૂઝીલેન્ડનો નીલ વેગનર ત્રીજા નંબર પર અને વેસ્ટઈન્ડિઝનો જેસન હોલ્ડર ચોથા નંબર પર છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પાંચમા નંબર પર છે.