શ્રીસાન્તને હવે હોલીવૂડની ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા જાગી છે

મુંબઈ – ક્રિકેટરમાંથી એક્ટર બનેલા વિવાદાસ્પદ એસ. શ્રીસાન્તે કહ્યું છે કે એની ઈચ્છા હોલીવૂડના વિખ્યાત દિગ્દર્શક સ્ટીવન સ્પીલબર્ગની સાથે એમની કોઈક ફિલ્મમાં કામ કરવાની છે.

ઉલ્લેખનીય છે કે, શ્રીસાન્ત હાલ મનોરંજન ક્ષેત્રમાં પોતાનો પગપેસારો ફેલાવી રહ્યો છે. એ રિયાલિટી ટેલિવિઝન શો તથા ફિલ્મોમાં ચમકી ચૂક્યો છે.

એક મુલાકાતમાં શ્રીસાન્તે કહ્યું કે, ‘મારી ઈચ્છા સ્ટીવન સ્પીલબર્ગ સાથે કામ કરવાની છે. પછી ભલે એમની હોલીવૂડ ફિલ્મમાં મને કોઈ નાનો રોલ મળે કે મોટો. મારા માટે એ જીવનભરનો યાદગાર અનુભવ બની રહેશે. જો ખરેખર એમ થશે તો મારું સપનું સાકાર થશે. મારું હંમેશાં માનવું રહ્યું છે કે જીવનમાં કંઈ પણ બની શકે છે. હું મારા જીવનની સફરને એક ચમત્કારના રૂપમાં જોઉં છું.’

પોતાની આ વાતને સમજાવતા શ્રીસાન્તે કહ્યું કે, ‘મારો જન્મ કેરળના એક નાનકડા ગામમાં થયો હતો એમાંથી હું કેરળની રાજ્ય ટીમ વતી ક્રિકેટ રમ્યો, એમાંથી ભારત વતી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ રમ્યો અને હાલ હું ટીવી શો તથા સિનેમામાં કામ કરી રહ્યો છું. કોઈ પણ ચમત્કાર બની શકે છે. તેથી હવે મારી ઈચ્છા સ્ટીવન સ્પીલબર્ગની કોઈ હોલીવૂડ ફિલ્મમાં કામ કરવાની છે.’

શ્રીસાન્તે રિચા ચઢ્ઢા અભિનીત હિન્દી ફિલ્મ ‘કેબરે’માં અભિનય કર્યો હતો. એ ફિલ્મનું નિર્માણ પૂજા ભટ્ટ અને ભૂષણ કુમારે કર્યું હતું.

‘ફિલ્મો પ્રત્યે મને પહેલેથી જ લગાવ રહ્યો છે. ક્રિકેટ પણ મને બહુ ગમે. જીવનના આટલા ટૂંકા ગાળામાં હું મને જે ગમ્યું એ બધું પામવામાં સફળ રહ્યો છું. હું નસીબદાર છું. મેં જુદી જુદી ભાષાની ફિલ્મોમાં અભિનય કર્યો છે. હાલમાં જ મારી નવી ફિલ્મ ‘ટીમ 5′ મલયાલમ, તેલુગુ, તામિલ ભાષામાં રિલીઝ થઈ છે. મને એક મરાઠી ફિલ્મમાં કામ કરવાની પણ ઓફર આવી છે,’ એમ શ્રીસાન્તે કહ્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]