ઓડિશામાં રમાનાર વર્લ્ડ કપ હોકી માટે ભારતની 18-ખેલાડીઓની ટીમ જાહેર; મનપ્રીત સિંહ કેપ્ટન

ભૂવનેશ્વર – અહીંના કલિંગા સ્ટેડિયમમાં 28 નવેમ્બરથી શરૂ થનાર ઓડિશા મેન્સ હોકી વર્લ્ડ કપ સ્પર્ધા માટે હોકી ઈન્ડિયાએ ભારતની 18-સભ્યોની ટીમ ઘોષિત કરી છે.

કેપ્ટન મનપ્રીત સિંહ

ટીમની આગેવાની મિડફિલ્ડર મનપ્રીત સિંહ લેશે, જ્યારે વાઈસ-કેપ્ટન છે ચિંગલેનસાના સિંહ કાંગુજમ.

યજમાન ભારતનો પ્રારંભિક મુકાબલો 28 નવેમ્બરના પહેલા જ દિવસે 15મી રેન્ક ધરાવતી દક્ષિણ આફ્રિકા સામે થશે.

ટીમમાં પી.આર. શ્રીજેશ અને કિશન બહાદુર – એમ બે ગોલકીપર છે. ગયા મહિને મસ્કતમાં રમાઈ ગયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધા ઘૂંટણની ઈજાને કારણે ગુમાવનાર ડીફેન્ડર બિરેન્દ્ર લાકરા ટીમમાં પાછો ફર્યો છે. એ હવે એકદમ ફિટ થઈ ગયો છે.

ટીમમાં 2016ની જુનિયર વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યો વરુણ કુમાર અને હરમનપ્રીત સિંહનો પણ સમાવેશ કરાયો છે.

ટીમનું આક્રમણ સંભાળશે આકાશદીપ સિંહ, દિલપ્રીત સિંહ, લલિત ઉપાધ્યાય, મનદીપ સિંહ અને સિમરનજીત સિંહ.

ભારતનો સમાવેશ ગ્રુપ-Cમાં કરવામાં આવ્યો છે. આ ગ્રુપમાં ભારત સાથે વર્લ્ડ નંબર-3 બેલ્જિયમ, કેનેડા અને દક્ષિણ આફ્રિકા છે. ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવવા માટે ભારતે પોતાના ગ્રુપમાં ટોચ પર આવવું પડશે.

ટીમ આ મુજબ છેઃ

ગોલકીપર્સઃ પી.આર. શ્રીજેશ, ક્રિષ્ના બહાદુર પાઠક

ડીફેન્ડર્સઃ હરમનપ્રીત સિંહ, બિરેન્દ્ર લાકરા, વરુણ કુમાર, કોઠાજીત સિંહ ખડનબામ, સુરેન્દર કુમાર, અમિત રોહિદાસ.

મિડફિલ્ડર્સઃ મનપ્રીત સિંહ (કેપ્ટન), ચિંગલેનસાના સિંહ કાંગુજમ (વાઈસ-કેપ્ટન), નિલકાંત શર્મા, હાર્દિક સિંહ, સુમિત.

ફોરવર્ડ્સઃ આકાશદીપ સિંહ, મનદીપ સિંહ, દિલપ્રીત સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, સિમરનજીત સિંહ.

આમાંના બિરેન્દ્ર લાકરા અને અમિત રોહિદાસ ઓડિશાના રહેવાસીઓ છે.

વર્લ્ડ કપ સ્પર્ધા 16 ડિસેમ્બર સુધી ચાલશે. સ્પર્ધામાં ભારત સહિત કુલ 16 ટીમ રમશે. પૂલ-Aમાં આર્જેન્ટિના, ફ્રાન્સ, ન્યુ ઝીલેન્ડ અને સ્પેન છે. પૂલ-Bમાં ઓસ્ટ્રેલિયા, ચીન, ઈંગ્લેન્ડ, આયરલેન્ડ છે. પૂલ-Cમાં ભારત, બેલ્જિયમ, કેનેડા, દક્ષિણ આફ્રિકા છે. પૂલ-Dમાં જર્મની, મલેશિયા, નેધરલેન્ડ્સ અને પાકિસ્તાન છે.