હિમાની સુવર્ણ દોડઃ 18 દિવસમાં પાંચ ગોલ્ડ જીત્યાં

ભારતની ક્રિકેટ ટીમ આઈસીસી વર્લ્ડ કપ-2019માં વિનર્સ કે રનર્સ-અપ ટ્રોફી જીત્યા વગર સ્વદેશ પાછી ફરી છે. એનાથી દેશના ક્રિકેટચાહકો નિરાશ થયા છે, પણ એનું સાટું દેશની ‘ગોલ્ડન ગર્લ’ હિમા દાસે વાળી આપ્યું છે – આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પાંચ-પાંચ ગોલ્ડ મેડલ જીતીને.

હિમાએ આ પાંચ સુવર્ણ ચંદ્રક માત્ર 18 જ દિવસના ગાળામાં જીત્યાં છે.

હિમાની આ સિદ્ધિને ક્રિકેટ ગોડ માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચીન તેંડુલકરે પણ બિરદાવી છે અને એને અભિનંદન આપ્યા છે.

ચેક રીપબ્લિકના પાટનગર પ્રાગમાં શનિવારે આયોજિત 400 મીટરની રેસમાં હિમાએ 52.09 સેકંડ સાથે પ્રથમ આવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.

400 મીટરની દોડમાં હિમાનો શ્રેષ્ઠ સમય જોકે 50.79 સેકંડનો છે. એ સિદ્ધિ એણે 2018ની એશિયન ગેમ્સમાં હાંસલ કરી હતી.

સચીન તેંડુલકરે ટ્વિટર પર હિમા દાસને અભિનંદન આપ્યા છે અને ભવિષ્યમાં પણ આવો જ ઉત્તમ દેખાવ કરવાની શુભેચ્છા પણ આપી છે.

19 વર્ષની હિમાએ ગયા બુધવારે ટાબોર એથ્લેટિક સ્પર્ધામાં 200 મીટરની દોડમાં ગોલ્ડ જીત્યો હતો. એ પહેલાં એણે ક્લાન્ડો એથ્લેટિક મીટ, કુન્ટો એથ્લેટિક્સ મીટ, પોઝનન એથ્લેટિક્સ ગ્રાં પ્રિ સ્પર્ધાઓમાં જુદી જુદી હરીફાઈઓમાં કુલ 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા.

ગયા બુધવારની દોડમાં હિમાએ 23.25 સેકંડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની વી.કે. વિસ્મયા 23.43 સેકંડ સાથે બીજા ક્રમે આવી હતી અને સિલ્વર મેડલ જીત્યો હતો.

પુરુષોના વર્ગમાં, 400 મીટરની દોડમાં ભારતના મોહમ્મદ અનસે 45.40 સેકંડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ગઈ બીજી જુલાઈએ હિમા આ વર્ષમાં તેની પહેલી કોમ્પીટિટીવ રેસ દોડી હતી. એ હતી પોલેન્ડમાં પોઝનન એથ્લેટિક્સ ગ્રાં પ્રીમાં 200 મીટરની રેસ. એમાં તે 23.65 સેકંડ સાથે પહેલી આવી હતી.

ત્યારબાદ 8 જુલાઈએ એણે પોલેન્ડમાં જ કુન્ટો એથ્લેટિક્સ મીટમાં 200 મીટરની રેસ 23.97 સેકંડ સાથે જીતી હતી. એમાં કેરળની વી.કે. વિસ્મયા 24.06 સેકંડ સાથે બીજી આવી હતી અને રજત ચંદ્રક જીત્યો હતો.

13 જુલાઈએ ફરી હિમા દાસ ચમકી હતી અને ચેક રીપબ્લિકમાં આયોજિત ક્લાન્ડો એથ્લેટિક્સ સ્પર્ધામાં 200 મીટરની દોડનો ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. એમાં તે 23.43 સેકંડ સાથે પહેલી આવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હિમા દાસની જબરદસ્ત પરફોર્મન્સની જાણ થતાં ટ્વિટર પર એને અભિનંદન આપ્યા છે.