હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલે બિનશરતી માફી માગી; ક્રિકેટ બોર્ડના સભ્યોએ SGM બોલાવવાની માગણી કરી

મુંબઈ – એક ટીવી ચેટ શોમાં મહિલાઓ વિરુદ્ધ અશોભનીય કમેન્ટ કરવા બદલ ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સસ્પેન્ડ કરેલા બે ક્રિકેટર – હાર્દિક પંડ્યા અને કે.એલ. રાહુલે આજે બિનશરતી માફી માગી લીધી છે. બીજી બાજુ, બીસીસીઆઈનું સંચાલન કરતી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA)ના ચેરમેન વિનોદ રાયે કહ્યું છે કે ક્રિકેટ બોર્ડે આ બંને ક્રિકેટરને સુધારવા જોઈએ, એમની કારકિર્દીનો અંત લાવવો ન જોઈએ.

પંડ્યા અને રાહુલે માફી માગી હોવા છતાં બીસીસીઆઈના 10 સભ્ય એસોસિએશનોએ સ્પેશિયલ જનરલ મીટિંગ (SGM) બોલાવવાની માગણી કરી છે અને જેમાં આ સમગ્ર બનાવમાં તપાસ હાથ ધરવા માટે એક ઑમ્બડ્ઝ્મૅન (ખાસ અધિકારી)ની નિમણૂક કરવી જોઈએ.

CoAમાં વિનોદ રાયના સહ-સભ્ય ડાયના એડલજીએ એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે આ પ્રકરણમાં CoA અને બીસીસીઆઈના હોદ્દેદારો દ્વારા તપાસ યોજાવી જોઈએ.

બીસીસીઆઈના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું છે કે હાર્દિક અને રાહુલે એમને નવેસરથી મોકલવામાં આવેલી કારણદર્શક નોટિસના જવાબ મોકલી આપ્યા છે. એમણે બિનશરતી માફી માગી છે. CoA વડાએ બીસીસીઆઈના સીઈઓને રાહુલ જોહરીને સૂચના આપી છે કે બીસીસીઆઈના નવા બંધારણની કલમ 41 (સી) અંતર્ગત તપાસ યોજાવી જોઈએ.

ડાયના એડલજીને એવો ડર છે કે આ વિવાદમાં બધું ભીનું સંકેલી લેવામાં આવશે.

કોફી વિથ કરન શોમાં હાજર થયેલા પંડ્યા અને રાહુલે મહિલાઓ વિશે અણછાજતી, અભદ્ર કમેન્ટ કરી હતી. એની સોશિયલ મિડિયા સહિત વ્યાપક રીતે ખૂબ ટીકા થયા બાદ CoAના આદેશાનુસાર બંને સામે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને ક્રિકેટર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના સભ્યો હતા, પણ બોર્ડના આદેશને પગલે બેઉ ભારત પાછા આવી ગયા છે.

ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ બંનેની કમેન્ટ સાથે અસહમતી વ્યક્ત કરી દીધી છે.

ODI વર્લ્ડ કપ સ્પર્ધા આડે હવે માત્ર ચાર મહિના જ બાકી છે ત્યારે આ બંને ક્રિકેટરનું તાત્કાલિક ભાવિ ડામાડોળ જણાય છે.

વિનોદ રાયે એડલજીને એક ઈમેલમાં કહ્યું છે કે આ બંને ક્રિકેટરની કારકિર્દીને સમાપ્ત કરી દેવામાં આવે એવું બીસીસીઆઈ ઈચ્છતું નથી.

પરંતુ એડલજીનું કહેવું છે કે આ તપાસમાં રાહુલ જોહરીને સામેલ કરવા ન જોઈએ, કારણ કે એમની વિરુદ્ધ જાતીય સતામણીના આરોપો થયા છે.

બીસીસીઆઈના કાર્યવાહક પ્રમુખ સી.કે. ખન્નાને દેશના 10 રાજ્યોના ક્રિકેટ એસોસિએશનો તરફથી વિનંતીપત્રો મળ્યા છે જેમાં એમણે માગણી કરી છે કે પંડ્યા-રાહુલના મામલે વહેલી તકે સ્પેશિયલ જનરલ મીટિંગ બોલાવવામાં આવે. બીસીસીઆઈના નવા બંધારણ અનુસાર આ કેસમાં, કાર્યવાહક સેક્રેટરી (અમિતાભ ચૌધરી) 21 દિવસની નોટિસ આપીને SGM બોલાવી શકે છે, પરંતુ જો ઈમરજન્ટ SGM બોલાવવી હોય તો 10 દિવસની અંદર બોલાવવી પડે. એવું હોય તો બોર્ડના પ્રમુખ (કાર્યવાહક પ્રમુખ) એવી બેઠક બોલાવી શકે. હવે ખન્ના શું નિર્ણય લે છે એ જોવાનું રહ્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]