ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાના પરાજય માટે અશ્વિન જવાબદારઃ હરભજન સિંહ

મુંબઈ – સાઉધમ્પ્ટન ખાતે ચોથી ટેસ્ટમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે 60-રનથી પરાજય થયો અને ભારતે પાંચ મેચોની સીરિઝ 3-1થી ગુમાવી દીધી છે એ માટે ભારતના અનુભવી ઓફ્ફ સ્પિનર હરભજન સિંહે સાથી ઓફ્ફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિનને જવાબદાર ગણાવ્યો છે.

હરભજન સિંહે ઈંગ્લેન્ડના ઓફ્ફ-સ્પિનર મોઈન અલીની પ્રશંસા કરી છે અને અશ્વિનની ઝાટકણી કાઢી છે. એણે કહ્યું કે મોઈન અલીએ સ્પિન બોલિંગ માટે માફક આવે એવી ડ્રાય કન્ડિશન્સનો સરસ રીતે લાભ ઉઠાવ્યો હતો. એણે સમગ્ર મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી જ્યારે અશ્વિન માત્ર ત્રણ જ લઈ શક્યો.

હરભજને વધુમાં કહ્યું છે કે આ પિચથી ઓફ્ફ-સ્પિનર્સ માટે ખૂબ મદદ મળી રહી હતી. માત્ર જરૂર હતી બોલને ચોક્કસ રફ પેચ પર નાખવાની અને એમ કરવાથી ઢગલાબંધ વિકેટ મળતી હતી. મોઈને બરાબર એવું જ કર્યું હતું. આ પહેલી જ વાર મેં જોયું કે ઈંગ્લેન્ડના સ્પિનરો ભારતના સ્પિનરો કરતાં સારી બોલિંગ કરી ગયા. અશ્વિન વિકેટો લઈ શક્યો નહીં એ કારણે જ ભારત સીરિઝમાં 1-3થી પાછળ રહી ગયું છે.

સાઉધમ્પ્ટન ટેસ્ટમાં ભારત ઈંગ્લેન્ડ ઉપર પહેલા દાવમાં 27 રનની લીડ લેવામાં સફળ થયું હતું, પણ બીજા દાવમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોને કાબૂમાં રાખવામાં બોલરો નિષ્ફળ જતાં ઈંગ્લેન્ડ ટીમ ઈન્ડિયાને 245 રનનો ચેલેન્જિંગ ટાર્ગેટ આપવામાં સફળ થયું હતું. ભારતીય ટીમ 184 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]