રન મશીન વિરાટ કોહલીને જન્મદિન મુબારક…

ક્રિકેટ સુપરસ્ટાર, ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આજે પોતાનો ૨૯મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એને જિંદગીના આ વિશિષ્ટ દિવસ, પ્રસંગ નિમિત્તે ‘ચિત્રલેખા’ તરફથી હાર્દિક શુભકામના.

વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૯૦૦૦ રન સૌથી ઝડપે પૂરા કરનાર અને ૩૨ સદીઓ ફટકારીને વિશ્વમાં સૌથી વધારે વન-ડે સદીના દંતકથાસમા સચીન તેંડુલકર (૪૯)ના વિક્રમ બાદ બીજા ક્રમે આવી ગયેલો વિરાટ કોહલી આજે ૨૯મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

કોહલી બેટ્સમેન ઉપરાંત ટીમના કેપ્ટન તરીકે પણ સતત જ્વલંત સફળતા હાંસલ કરી રહ્યો છે. એના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે સતત આઠ ટેસ્ટ સિરીઝ જીતી છે અને વર્લ્ડ નંબર-વન ટીમ બની છે.

તો, વન-ડે ક્રિકેટમાં પણ ભારતીય ટીમ જરાય પાછળ નથી અને સતત પાંચ સિરીઝ વિજય હાંસલ કર્યા છે.

જો ૭ નવેમ્બર, મંગળવારે તિરુવનંતપુરમમાં ન્યૂ ઝીલેન્ડને ત્રીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં હરાવવામાં ભારત સફળ થશે તો એ કોહલીના સુકાનીપદ હેઠળ ભારતનો રમતની સૌથી ટૂંકી ફોર્મેટમાંનો એક વધુ યાદગાર શ્રેણીવિજય બનશે.

કોહલીએ ગઈ કાલે શનિવારે રાજકોટમાં ન્યૂ ઝીલેન્ડ સામેની બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ પૂરી થયા બાદ ટીમના અમુક સાથીઓના સંગાથમાં બર્થડે કેક કાપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડે ઉજવણીની એ તસવીરો પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.

બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે કોહલીના રોમાન્સની વાતો હવે ગુપ્ત રહી નથી. બંને જણ અવારનવાર જાહેરમાં સાથે દેખાતાં રહ્યાં છે. બંને જણ આવતા મહિને લગ્ન કરે એવી પણ ચર્ચા છે. કોહલીએ પોતાને માટે શુભેચ્છા વ્યક્ત કરનાર પ્રશંસકો તથા ફોલોઅર્સનો આભાર માન્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]