ફિફા વર્લ્ડ કપઃ મેચની છેલ્લી મિનિટે ગોલ કરી જર્મનીએ સ્વીડનને 2-1થી પરાસ્ત કર્યું

સોચી – રશિયામાં રમાતી ફૂટબોલ વર્લ્ડ કપ-2018 સ્પર્ધામાં 23 જૂન, શનિવારે ગ્રુપ-Fની મેચમાં સ્વીડનને 2-1થી હરાવીને ગઈ વેળાના ચેમ્પિયન જર્મનીએ નોકઆઉટ તબક્કામાં પહોંચવાનો પોતાનો પડકાર જીવંત રાખ્યો છે.

સ્વીડનના ઓલા ટોઈવોનને 32મી મિનિટે ગોલ કર્યો હતો. હાફ-ટાઈમ વખતે સ્કોર સ્વીડનની તરફેણમાં 1-0 હતો.

બીજા હાફમાં જર્મન ખેલાડીઓએ વળતી લડત આપી હતી અને 48મી મિનિટે માર્કો રીયુસે ગોલ કર્યો હતો.

મેચ ડ્રોમાં પરિણમશે એ નિશ્ચિત હતું ત્યાં 90 મિનિટના ફૂલ-ટાઈમ બાદ ઈન્જરી ટાઈમની પાંચમી અને મેચની છેલ્લી મિનિટે ટોની ક્રૂસે ફ્રી કિક દ્વારા ગોલ કરીને જર્મનીને સરસાઈ અપાવી હતી અને મેચ જિતાડી આપી હતી.

ક્રૂસને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો.

જર્મની જો આ મેચ જીત્યું ન હોત તો સ્પર્ધાના ગ્રુપ સ્ટેજમાં જ બાકાત થઈ જવાની બદનામી ભોગવવી પડી હોત.

ગ્રુપમાં હવે સ્વીડન અને જર્મની 3-3 પોઈન્ટ સાથે સમાન છે. મેક્સિકો 6 પોઈન્ટ સાથે મોખરે છે. સાઉથ કોરિયા હજી એકેય મેચ જીત્યું નથી.

જર્મનીની છેલ્લી ગ્રુપ મેચ સાઉથ કોરિયા સામે અને સ્વીડનની છેલ્લી મેચ મેક્સિકો સામે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]