ચાર નવી દેશી રમતોનો યૂથ ગેમ્સ-2021માં સમાવેશ

નવી દિલ્હીઃ આવતા વર્ષે હરિયાણાના પંચકૂલામાં ‘ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ-2021’ યોજાનાર છે. એમાં ચાર નવી દેશી રમતોનો સમાવેશ કરવાની કેન્દ્રીય ખેલકૂદ મંત્રાલયે મંજૂરી આપી છે. આ ચાર રમત છે – ગતકા, કલારીપયટ્ટૂ, થાંગ-તા અને મલ્લખાંબ. આ ચારેય રમત દેશના જુદા જુદા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. કલારીપયટ્ટૂ કેરળની રમત છે, મલ્લખાંબ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં લોકપ્રિય છે, ગતકા પંજાબના નિહંગ શીખ યોદ્ધાઓની દેશી રમત છે જેમાં તલવારબાજી વડે સ્વરક્ષણ અને રમત, બંનેનો ઉપયોગ કરાય છે જ્યારે થાંગ-તા મણીપુરની માર્શલ આર્ટ છે.

સરકારના આ નિર્ણય અંગે કેન્દ્રીય ખેલકૂદ પ્રધાન કિરન રીજીજુએ કહ્યું કે  ભારતભરમાં સ્વદેશી રમતોની સમૃદ્ધ સંસ્કૃતિ છે. એમની જાળવણી કરવા અને એમને પ્રોત્સાહન આપવાને સરકાર પ્રાથમિકતા આપે છે અને એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ રમતોના ખેલાડીઓને હરીફાઈ કરવા માટે ખેલો ઈન્ડિયા રમતોત્સવ કરતાં વધારે સારું કોઈ મંચ નથી. મને વિશ્વાસ છે કે આ વખતના રાષ્ટ્રીય યુવા રમતોત્સવમાં આ ચાર રમત ઉપરાંત યોગાસન રમતપ્રેમીઓ અને યુવાવ્યક્તિઓને આકર્ષિત કરશે. આવનારા દિવસોમાં અમે ખેલો ઈન્ડિયામાં વધુ દેશી રમતોનો સમાવેશ કરવાના છીએ.