ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન અજિત વાડેકરનું મુંબઈમાં નિધન

મુંબઈ – ઈંગ્લેન્ડની ધરતી પર જેમના નેતૃત્ત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે સૌપ્રથમ ટેસ્ટ વિજય હાંસલ કર્યો હતો એ ભૂતપૂર્વ કેપ્ટન અજિત વાડેકરનું આજે અહીં નિધન થયું છે.

77 વર્ષના વાડેકરે અહીંની જસલોક હોસ્પિટલમાં આજે સાંજે અંતિમ શ્વાસ લીધો હતો. એમને કેન્સર હતું. એમને અમુક દિવસો પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સાંજે એમની તબિયત વધારે બગડી હતી અને એમનો જીવનદીપ બુઝાઈ ગયો. એમના પરિવારમાં પત્ની રેખા, બે પુત્ર અને ભાઈ અશોક વાડેકર છે. અશોક વાડેકરે કહ્યું કે અજિતના અંતિમસંસ્કાર શુક્રવારે કરવામાં આવશે.

ડાબોડી આક્રમક બેટ્સમેન અજિત વાડેકરનું નામ વર્ષ 1971 સાથે કાયમ જોડાયેલું રહેશે. એમનું નામ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાઈ ગયું છે, કારણ કે એમના નેતૃત્ત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડમાં ઐતિહાસિક ટેસ્ટ વિજય હાંસલ કર્યો હતો.

વાડેકરે 1958માં પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, પણ રાષ્ટ્રીય ટીમ વતી રમવામાં એમને છેક 1966 સુધી રાહ જોવી પડી હતી.

વાડેકરે 1966માં હોમગ્રાઉન્ડ મુંબઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમીને એમની ટેસ્ટ કારકિર્દીનો આરંભ કર્યો હતો.

તેઓ 37 ટેસ્ટ મેચો રમ્યા હતા અને એક સદી તથા 14 અડધી સદી સહિત 2113 રન કર્યા હતા. 1974માં ભારતની સૌપ્રથમ વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં એમણે ભારતનું કેપ્ટનપદ સંભાળ્યું હતું. તેઓ દેશ વતી બે વન-ડે મેચ પણ રમ્યા હતા, જેમાં એમણે એક અડધી સદી સહિત 73 રન કર્યા હતા.

વાડેકર વન-ડાઉન સ્થાને બેટિંગ કરતા. એ બહુ શાર્પ સ્લિપ ફિલ્ડર પણ હતા.

વાડેકરે 1990ના દાયકામાં ભારતીય ક્રિકેટ ટીમનું મેનેજરપદ પણ સંભાળ્યું હતું. એ વખતે મોહમ્મદ અઝહરુદ્દીન કેપ્ટન હતો.

વાડેકર એવા જૂજ ભારતીયોમાંના એક છે જેમણે ટેસ્ટ ખેલાડી, કેપ્ટન, કોચ, મેનેજર અને પસંદગી સમિતિના ચેરમેન, જેવા ટોચના પદ સંભાળ્યા હતા.

ભારત સરકારે વાડેકરને અર્જૂન પુરસ્કાર (1967) તેમજ પદ્મશ્રી (1972) એવોર્ડથી સમ્માનિત કર્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અજિત વાડેકરના અવસાનના સમાચાર સાંભળીને ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.

httpss://twitter.com/narendramodi/status/1029787766748536832