સૌથી વધુ કમાણી કરતા એથ્લીટ્સની ‘ફોર્બ્સ 2018’ યાદીમાં કોહલી એકમાત્ર ભારતીય છે

ન્યુ યોર્ક – દુનિયાના સૌથી વધુ વેતન મેળવતા એથ્લીટ્સની યાદીમાં ભારતનો ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી એકમાત્ર ક્રિકેટર છે. આ યાદી અમેરિકાના પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ દ્વારા ઘોષિત કરવામાં આવી છે.

વિશ્વના 100 સૌથી વધુ વેતન મેળવતા ખેલાડીઓની વાર્ષિક ફોર્બ્સ યાદીમાં 29 વર્ષીય કોહલી એકમાત્ર ભારતીય છે.

આ યાદીમાં જોકે કોહલી 83મા નંબરે છે. આ વર્ષે એની અંદાજિત કમાણીનો આંક છે બે કરોડ 40 લાખ ડોલર. એમાંથી એણે બે કરોડ ડોલર એણે વિવિધ બ્રાન્ડ્સ અને સેવાઓનો પ્રચાર કરીને મેળવ્યા છે અને બાકીના 40 લાખ ડોલર એનું વેતન છે.

ફોર્બ્સની ગયા વર્ષની યાદીમાં કોહલી 89મા ક્રમે હતો. ત્યારે એની કુલ કમાણીનો આંક હતો બે કરોડ 20 લાખ ડોલર.

આ યાદીમાં પહેલા નંબરે છે ફ્લોઈડ મેવેધર, જે અમેરિકાનો પ્રોફેશનલ બોક્સિંગ પ્રમોટર અને ભૂતપૂર્વ પ્રોફેશનલ બોક્સર છે. એની કુલ કમાણી છે 28 કરોડ 50 લાખ ડોલર.

આ યાદીમાં બીજા નંબરે છે આર્જેન્ટિનાનો ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસ્સી. એની કમાણીનો આંક છે 11 કરોડ 10 લાખ ડોલર.

યાદીમાં ટોચના પાંચ નામ છે – મેવેધર, મેસ્સી, ક્રિસ્ટીયાનો રોનાલ્ડો, કોનર મેકગ્રેગર અને નેમાર. આ પાંચેય જણ કાં તો ફૂટબોલ સિતારા છે અથવા કોમ્બેટ ખેલના ખેલાડીઓ.