ઓસ્ટ્રેલિયા T20I સીરિઝ જીતી ગયું; ઘરઆંગણે કોહલીના સુકાનીપદ હેઠળ પહેલો શ્રેણીપરાજય

બેંગલુરુ – ગ્લેન મેક્સવેલના અણનમ 113 રનના જોરે ઓસ્ટ્રેલિયાએ ગઈ કાલે અહીં ભારતને બીજી અને શ્રેણીની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતને 7-વિકેટથી પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ટોસ જીતી ભારતને પહેલા બેટિંગ કરવા કહ્યું હતું.

ભારતે 20 ઓવરમાં 4 વિકેટના ભોગે 190 રન કર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 38 બોલમાં 6 સિક્સર અને બે બાઉન્ડરી સાથે ઝૂડી કાઢેલા 72 રન ભારતના દાવની વિશેષતા હતા, પણ ગ્લેન મેક્સવેલે માત્ર 55 બોલમાં 9 સિક્સર અને 7 બાઉન્ડરી સાથે 113 રન ઝૂડી કાઢીને મેચને ભારતના હાથમાં જવા દીધી નહોતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ સીરિઝ 2-0થી જીતી લીધી.

ઘરઆંગણે કોહલીના સુકાનીપદ હેઠળ ભારતનો આ પહેલો શ્રેણીપરાજય થયો છે.

ઘરઆંગણે કોહલીના સુકાનીપદ હેઠળ તમામ ફોર્મેટની કુલ 16 સીરિઝમાં ભારતનો આ પહેલો પરાજય થયો છે. કોહલીએ ઘરઆંગણે સાત ટેસ્ટ અને પાંચ વન-ડે ઈન્ટરનેશનલ સીરિઝમાં ભારતનું સુકાન સંભાળ્યું છે. T20 ફોર્મેટમાં કોહલીના સુકાન હેઠળ ભારતે બે શ્રેણી જીતી હતી અને એક સીરિઝ ડ્રોમાં ગઈ હતી (2017માં ઓસ્ટ્રેલિયા સામે). પરંતુ, આ વખતે ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો છે.

ઘરઆંગણે, T20 ઈન્ટરનેશનલ સીરિઝમાં ભારતનો આ ચોથો પરાજય થયો છે. 2015ના ઓક્ટોબર બાદ આ ફોર્મેટમાં આ પહેલો પરાજય છે. છેલ્લે ભારત દક્ષિણ આફ્રિકા સામે 2-0થી હાર્યું હતું.

આ મહિને ભારતનો આ સતત બીજો T20 સીરિઝ પરાજય છે. અગાઉ ન્યૂઝીલેન્ડ સામે ભારત 1-2થી શ્રેણી હાર્યું હતું.

ગઈ કાલની મેચમાં કુલ 22 સિક્સરો ફટકારવામાં આવી હતી. ભારતે 13 અને ઓસ્ટ્રેલિયાએ 9 ફટકારી હતી. તમામ 9 મેક્સવેલે ફટકારી હતી.

વિરાટ કોહલીએ ટ્વેન્ટી-20 ફોર્મેટમાં ફટકારેલી બાઉન્ડરીઓનો આંકડો હવે 223 થયો છે. આ વિશ્વવિક્રમ છે. જોકે કોહલની સાથે શ્રીલંકાનો તિલકરત્ને દિલશાન પણ આ રેકોર્ડનો ભાગીદાર છે.

T20 ફોર્મેટમાં 50 કે તેથી વધુ સિક્સરો મારવાની સિદ્ધિ હાંસલ કરનાર કોહલી પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો છે. રોહિત શર્મા 102, યુવરાજ સિંહ 74, સુરેશ રૈના 58 અને મહેન્દ્ર સિંહ ધોનનીએ 52 સિક્સર ફટકારી છે.

ભારતના દાવમાં કોહલી ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોનીએ પણ આક્રમક રમત રમીને 40 રન ફટકાર્યા હતા. એણે 23 બોલના દાવમાં 3 સિક્સર અને 3 બાઉન્ડરી ફટકારી હતી. લોકેશ રાહુલ (47) અને શિખર ધવન (14)ની જોડીએ પહેલી વિકેટ માટે 61 રન કર્યા હતા. રિષભ પંત 1 રન કરી શક્યો હતો. દિનેશ કાર્તિક 8 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

મેક્સવેલની ઝંઝાવાતી ફટકાબાજીને કારણે વિજય શંકરે 4 ઓવરમાં 38 રન આપ્યા હતા તો જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 30, સિદ્ધાર્થ કૌલે 3.4 ઓવરમાં 45, યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 47 અને કૃણાલ પંડ્યાએ 4 ઓવરમાં 33 રન આપ્યા હતા.