ફિફા વર્લ્ડ કપની ટિકિટો ખરીદવામાં ભારત ટોપ-ટેનમાં…

હાલ રશિયામાં રમાઈ રહેલી ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ સ્પર્ધા માટે દુનિયાભરમાં રોમાંચ છવાયેલો છે. ભારત પણ એમાંથી બાકાત નથી, પરંતુ ક્રિકેટ જેટલો નથી. વર્તમાન વિશ્વકપ સ્પર્ધામાં રમતી 32 ટીમોમાં તો ઠીક, પણ વિશ્વમાં ટોચની 90 ટીમોમાં પણ ભારતનો નંબર નથી. ભારત હાલ 97મા નંબરે છે. ફૂટબોલની રમતમાં વિશ્વ સ્તરે ભારતનું રેન્કિંગ નબળું છે, પરંતુ રશિયા-2018 સ્પર્ધાની મેચોની ટિકિટો ખરીદવામાં ભારતીયો ઘણો ઉત્સાહ બતાવી રહ્યા છે.

ભારતીયોને રશિયાની મુલાકાતે જવામાં સહાયતા કરતી ટ્રાવેલ એજન્સીઓએ જણાવ્યું છે કે રશિયામાં વર્લ્ડ કપ ફૂટબોલની મેચો જોવા માટે ભારતીય ફૂટબોલ ચાહકો તરફથી ઘણો જ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે.

રશિયન ટુર પેકેજીસ માટે ભારતીયો તરફથી થઈ રહેલી ડીમાન્ડ ઘણી મોટી છે.

પર્યટકો તરીકે રશિયા જનારા લોકોની વાત કરીએ તો, વર્લ્ડ કપમાં ભાગ ન લેતા દેશોમાં ભારતનો નંબર ત્રીજો છે. અન્ય બે દેશ છે – અમેરિકા અને ચીન.

વર્લ્ડ કપ ટિકિટ ધારકોને રશિયામાં વિઝા-ફ્રી એન્ટ્રીની છૂટ અપાઈ છે એટલે રાજીનાં રેડ થઈ ગયેલાં ભારતીય પર્યટકો મોટી સંખ્યામાં રશિયા ભણી જવા આકર્ષિત થયા છે.

આ વર્ષે અત્યાર સુધીમાં રશિયાના જુદા જુદા શહેરો માટેની ફ્લાઈટ સર્ચીસમાં 23 ટકાનો વધારો નોંધાયો છે, એમ ફૂટબોલની રમતનું વિશ્વ સ્તરે સંચાલન કરતી સંસ્થા ધ ફેડરેશન ઈન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન (ફિફા)ની વર્લ્ડ કપ-2018 માટે ભારતમાં સત્તાવાર સેલ્સ એજન્સી કટિંગ એજ ઈવેન્ટ્સનું કહેવું છે.

આ સેલ્સ એજન્સી કંપની પાસેથી મળેલા આંકડા અનુસાર, રશિયામાં ફૂટબોલ સ્પર્ધાની મેચો જોવા માટે અનેક દેશોમાંથી ફૂટબોલચાહકોનો ધસારો થઈ રહ્યો છે. એમાં ટોચના 10 દેશોમાં ભારતનો પણ નંબર છે.

આ યાદીમાં પહેલા સ્થાને અમેરિકા છે. ત્યાંથી ચાહકો તરફથી 16,642 ટિકિટો ખરીદવામાં આવી છે.

અમેરિકા પછીના નંબરે આ દેશો આવે છે – આર્જેન્ટિના, કોલંબિયા, મેક્સિકો, બ્રાઝિલ, પેરુ, જર્મની, ચીન, ઓસ્ટ્રેલિયા અને ભારત.

કટિંગ એજના પ્રેસિડન્ટ મયંક ખાંડવાલાએ કહ્યું છે કે, અત્યાર સુધીમાં ભારતમાંથી 4,509 ચાહકોએ રશિયામાં ફૂટબોલ વર્લ્ડ કપની મેચો જોવા માટે ટિકિટો ખરીદી છે.

રશિયાની આ યાદગાર ટ્રિપ માટે ભારતીય ફૂટબોલ ચાહકો 3000 ડોલરથી લઈને 30 હજાર ડોલર વચ્ચેની રકમ ખર્ચી રહ્યા છે. વર્લ્ડ કપની મેચો જોવા માટે રશિયા આવનાર દુનિયાભરના પર્યટકો માટે રશિયન સરકારે અનેક પ્રકારના ટ્રાવેલિંગ લાભો જાહેર કર્યા છે. એને કારણે પણ ભારતમાંથી ઘણા લોકો પૈસા ખર્ચીને રશિયાની મુલાકાતે જવા આકર્ષિત થયા છે.

 

ખાંડવાલા વધુમાં કહે છે કે તમામ ટિકિટધારકોએ 2018ની ફિફા વર્લ્ડ કપની મેચોનું આયોજન કરનાર સ્ટેડિયમમાં પ્રવેશ કરવા માટે કાયદેસર મેચ ટિકિટની સાથે FAN આઈડી પણ રાખવું આવશ્યક છે. FAN આઈડીને લીધે 2018ની ફિફા વર્લ્ડ કપની મેચોની ટિકિટો ખરીદનાર વિદેશી નાગરિકોને રશિયામાં વિઝા-ફ્રી પ્રવેશ મળે છે. આવા ચાહકો

રશિયામાં પ્રવેશ કરી શકશે અને પહેલી મેચ શરૂ થયાના 10 દિવસ અગાઉ અને છેલ્લી મેચ પૂરી થયાના 10 દિવસ બાદ સુધીના સમયગાળા દરમિયાન રશિયામાં રહી શકશે.

ભારતીય ફૂટબોલ ચાહકોને રશિયાના પ્રવાસે જવામાં મદદ કરનાર અન્ય જાણીતી ઓનલાઈન ટ્રાવેલ એજન્સી છે – યાત્રા ડોટ કોમ. એનું પણ કહેવું છે કે ફિફા વર્લ્ડ કપ માટે ભારતમાંથી રશિયા જવા માટે ચાહકોનો પ્રતિસાદ સરસ છે.

યાત્રા ડોટ કોમના સીઓઓ શરત ધાલનું કહેવું છે કે ગયા વર્ષે આ જ સમયગાળાની સરખામણીએ આ વર્ષે રશિયા માટેના બુકિંગમાં 60 ટકાનો ઉછાળો આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]