વર્લ્ડ કપ-2019માં ઈંગ્લેન્ડનો વિજયી પ્રારંભ; દક્ષિણ આફ્રિકાને 104-રનથી પછાડ્યું

લંડન – અહીંના ઓવલ મેદાન પર વર્લ્ડ કપ-2019ની આજે રમાઈ ગયેલી પ્રારંભિક મેચમાં ઈંગ્લેન્ડે બેન સ્ટોક્સના ઓલરાઉન્ડ દેખાવના જોરે આસાન વિજય મેળવ્યો છે. એણે દક્ષિણ આફ્રિકાને 104 રનના માર્જિનથી પરાજય આપ્યો છે.

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યા બાદ ઈંગ્લેન્ડે 4 બેટ્સમેનોની હાફ સેન્ચુરીના જોરે તેના હિસ્સાની 50 ઓવરમાં 8 વિકેટે 311 રન કર્યા હતા. ત્યારબાદ ઈંગ્લેન્ડના બોલરોએ પણ જોરદાર બોલિંગ આક્રમણ કર્યું હતું અને દક્ષિણ આફ્રિકાની ટીમને 39.5 ઓવરમાં 207 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી.

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. સ્ટોક્સે બેટિંગમાં 89 રન કર્યા હતા અને ત્યારબાદ બોલિંગમાં 2.5 ઓવરમાં 12 રન આપીને બે વિકેટ ઝડપી હતી. એણે તેના 89 રન 79 બોલમાં અને 9 ચોગ્ગાની મદદથી કર્યા હતા. સ્ટોક્સે બે કેચ પણ પકડ્યા હતા. આમ, આજનો દિવસ એના નામે બની રહ્યો.

ઈંગ્લેન્ડના દાવમાં હાફ સેન્ચુરી ફટકારનાર અન્ય 3 બેટ્સમેનો છે – ઓપનિંગ બેટ્સમેન જેસન રોય (54), જો રૂટ (51) અને કેપ્ટન ઓઈન મોર્ગન (57).

ઈંગ્લેન્ડે તેના દાવની પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવી હતી. લેગસ્પિનર ઈમરાન તાહિરે બોલિંગ આક્રમણની શરૂઆત કરી હતી અને બીજા જ બોલમાં એણે જોની બેરસ્ટો (0)ને કીપર ક્વિન્ટન ડી કોકના ગ્લોવ્ઝમાં ઝીલાવી દીધો હતો.

તે વિકેટ પડ્યા બાદ જેસન રોય અને જો રૂટે 106 રનની ભાગીદારી કરી હતી. રોય અને રૂટ ટૂંકા ગાળામાં આઉટ થઈ ગયા હતા. મોર્ગન અને સ્ટોક્સે બાજી સંભાળી હતી અને ચોથી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી.

જોસ બટલર 18, મોઈન અલી 3, ક્રિસ વોક્સ 13 રન કરીને આઉટ થયો હતો.

દક્ષિણ આફ્રિકાના દાવમાં બે હાફ સેન્ચુરી થઈ હતી. ઓપનિંગ બેટ્સમેન અને વિકેટકીપર ડી કોકે 74 બોલમાં 68 અને રાસી વાન ડેર ડસને 50 રન કર્યા હતા. આ બે બેટ્સમેનને બાદ કરતાં દક્ષિણ આફ્રિકાનો બીજો કોઈ ખેલાડી નોંધપાત્ર દેખાવ કરી શક્યો નહોતો. કેપ્ટન ડુ પ્લેસીએ માત્ર પાંચ રન કર્યા હતા. હાશીમ અમલાએ 13, એઈડન મારક્રામે 11, જ્યાં-પૌલ ડુમિનીએ 8 ડ્વેઈન પ્રીટોરિયસે 1, એન્ડીલ ફેલુક્વાયાએ 24, કેગીસો રબાડાએ 11 રન કર્યા હતા, તાહિર ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો.

ઈંગ્લેન્ડના મધ્યમ ઝડપી બોલર જોફ્રા આર્ચરે 3, અન્ય ફાસ્ટ બોલર લિયામ પ્લન્કીટે 2, લેગસ્પિનર આદિલ રશીદ અને ઓફ્ફ સ્પિનર મોઈન અલીએ 1-1 વિકેટ લીધી હતી.

ઓવલ મેદાન પર ઈંગ્લેન્ડ 2015ની સાલથી 50-ઓવરવાળી મેચ હાર્યું નથી. છેલ્લી મેચમાં તે ન્યૂઝીલેન્ડ સામે હાર્યું હતું. આજની મેચમાં દક્ષિણ આફ્રિકા સામે જીતવા માટે ઈંગ્લેન્ડ ફેવરિટ હતું.

જોકે, વર્લ્ડ કપમાં, બંને ટીમ આજની મેચ પહેલાં 6 વાર સામસામે ટકરાઈ ચૂકી હતી. જેમાં બંને ટીમ 3-3 મેચ જીતી હતી.

ઈંગ્લેન્ડની ટીમમાં ખેલાડીઓને ઈજાની સમસ્યા ગઈ કાલથી સતાવતી રહી હતી. કેપ્ટન ઓઈન મોર્ગનને પણ ડાબા હાથની ટચલી આંગળીમાં મામુલી ફ્રેક્ચર થયું હતું. જોકે આજે ટીમને દોરવા માટે તે સજ્જ થઈ ગયો હતો.

દક્ષિણ આફ્રિકા ટીમ તેના મુખ્ય ફાસ્ટ બોલર ડેલ સ્ટેન વગર રમી હતી. એને ખભાની પીડાની તકલીફ છે. એની જગ્યાએ કેગીસો રબાડાએ ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્ત્વ સંભાળ્યું હતું.

ઈંગ્લેન્ડ વિજેતા ટ્રોફી જીતવા માટે ફેવરિટ્સ છે.

બંને ટીમ નીચે મુજબ હતીઃ

ઈંગ્લેન્ડઃ

જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, ઓઈન મોર્ગન (કેપ્ટન), બેન સ્ટોક્સ, જોસ બટલર (વિકેટકીપર), મોઈન અલી, ક્રિસ વોક્સ, લિયામ પ્લન્કીટ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ.

દક્ષિણ આફ્રિકાઃ

હાશીમ અમલા, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), એઈડન મારક્રામ, ફાફ ડુ પ્લેસી (કેપ્ટન), રાસી વાન ડેર ડસન, જ્યાં-પૌલ ડુમિની, એન્ડીલ ફેલુવેયો, ડ્વેન પ્રીટોરિયસ, કેગીસો રબાડા, લુંગી એન્ગીડી, ઈમરાન તાહિર.

લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર 30 મે, ગુરુવારે રમાઈ ગયેલી વર્લ્ડ કપ-2019 સ્પર્ધાની પહેલી મેચમાં ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને 104 રનથી પરાજય આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ ટોસ જીતીને ઈંગ્લેન્ડને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ઈંગ્લેન્ડે જેસન રોયના 54, જો રૂટના 51, કેપ્ટન ઓઈન મોર્ગનના 57 અને બેન સ્ટોક્સના 89 રનની મદદથી 50 ઓવરમાં 8 વિકેટે 311 રન કર્યા હતા. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 39.5 ઓવરમાં માત્ર 207 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સ્ટોક્સે બોલિંગમાં પણ બે વિકેટ લીધી હતી અને ફિલ્ડિંગમાં બે કેચ પણ પકડ્યા હતા. એને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકાના દાવમાં ઓપનિંગ બેટ્સમેન અને વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે 68 અને રાસી વાન ડેર ડસને 50 રન કર્યા હતા.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]