ઓસ્ટ્રેલિયાને 8-વિકેટથી હરાવી ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ-2019ની ફાઈનલમાં

બર્મિંઘમ – અહીં એજબેસ્ટન ખાતે આજે રમાઈ ગયેલી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019ની બીજી સેમી ફાઈનલમાં ગઈ વેળાના ચેમ્પિયન્સ ઓસ્ટ્રેલિયાને 8-વિકેટથી સજ્જડ રીતે પરાજય આપીને ઈંગ્લેન્ડે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી, પણ એની ટીમ 49 ઓવરમાં માત્ર 223 રન જ કરી શકી હતી. એના જવાબમાં ઈંગ્લેન્ડે 31.1 ઓવરમાં જેસન રોય (85) અને જોની બેરસ્ટો (34)ની વિકેટ ગુમાવીને 226 રન કરીને મેચ જીતી લીધી હતી.

જો રૂટ 46 બોલમાં 49 (8 ચોગ્ગા) અને કેપ્ટન ઓઈન મોર્ગન 39 બોલમાં 45 રન (8 ચોગ્ગા) સાથે નોટઆઉટ રહ્યો હતો.

14 જુલાઈએ લંડનના લોર્ડ્સ મેદાન પર રમાનાર ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે, જેણે ગઈ કાલે પહેલી સેમી ફાઈનલમાં ભારતને 18-રનથી પરાજય આપ્યો હતો.

ઈંગ્લેન્ડનો આજનો વિજય તેના ઓપનર જેસન રોયના 85 રન, સાથી ઓપનર જોની બેરસ્ટો (34) સાથે 124 રનની પાયાની ભાગીદારી, ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ અને લેગબ્રેક બોલર આદિલ રશીદની 3-3 વિકેટના બોલિંગ દેખાવને આભારી છે.

ઓસ્ટ્રેલિયાના દાવની વિશેષતા હતી સ્ટીવન સ્મીથના 85 રન.

ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં ઈંગ્લેન્ડ આ ચોથી વાર ફાઈનલમાં પ્રવેશ્યું છે. આ પહેલાં તે 1979, 1987 અને 1992ની સ્પર્ધાઓ વખતે ફાઈનલમાં પહોંચ્યું હતું. 1979માં એનો વેસ્ટ ઈન્ડિઝ સામે, 1987માં ઓસ્ટ્રેલિયા સામે અને 1992માં પાકિસ્તાન સામે પરાજય થયો હતો.

ન્યૂઝીલેન્ડ આ સતત બીજી વર્લ્ડ કપમાં ફાઈનલમાં પહોંચ્યું છે. 2015ની સ્પર્ધામાં ફાઈનલમાં એનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો.