ધોનીની T20I કારકિર્દી સમાપ્તઃ સિલેક્ટરોએ જણાવી દીધું

મુંબઈ – અનેક વિક્રમોના મહારથી અને 2007માં ટ્વેન્ટી-20 તથા 2011માં 50-ઓવરોવાળી વર્લ્ડ કપ સ્પર્ધાઓમાં ચેમ્પિયન બનેલી ભારતીય ટીમનું સુકાન સંભાળનાર મહેન્દ્ર સિંહ ધોનીને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો માટેની ટીમમાંથી પડતો મૂકી દેવામાં આવ્યો છે એવી સ્પષ્ટતા રાષ્ટ્રીય સિનિયર પુરુષ ક્રિકેટરો માટેની પસંદગી સમિતિએ કરી દીધી છે. પસંદગીકારોએ ધોનીને કહી દીધું છે કે તારી T20I કારકિર્દી હવે સમાપ્ત થઈ ગઈ છે. તને વેસ્ટ ઈન્ડિઝ તથા ઓસ્ટ્રેલિયા સામેની આગામી T20I શ્રેણીઓ માટેની ટીમમાંથી આરામ નથી અપાયો, પણ પડતો મૂકી દેવામાં આવ્યો છે.

હાલમાં જ જ્યારે સમાચાર આવ્યા હતા કે ભારતની T20 ટીમમાંથી ધોની બાકાત છે ત્યારે એવા સવાલો ઊભા થયા હતા કે ધોનીને આરામ અપાયો છે કે એ પોતાની રીતે ખસી ગયો છે? હવે ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે સિલેક્ટરોએ ટીમ મેનેજમેન્ટ મારફત ધોનીને જણાવી દીધું છે કે તને પડતો મૂકી દેવામાં આવ્યો છે અને તારી કારકિર્દીનો હવે અંત આવી ગયો છે.

ધોની ભારત વતી 93 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમ્યો છે. એમાં તેણે 1,487 રન કર્યા છે અને વિકેટકીપર તરીકે 87 શિકાર ઝડપ્યા છે. એના જ નેતૃત્વ હેઠળ ભારતે 2007માં પ્રારંભિક ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા જીતી હતી.

સૂત્રોના દાવા મુજબ, 2020માં ઓસ્ટ્રેલિયામાં રમાનાર T20 વર્લ્ડ કપમાં ધોનીને રમાડવો યોગ્ય છે એવું સિલેક્ટરોને લાગતું નથી. એમણે નક્કી પણ કરી લીધું છે કે હવે ધોનીને T20 ઈન્ટરનેશનલ મેચોમાં રમાડવાનો કોઈ અર્થ નથી.

જોકે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટને લાગેવળગે છે ત્યાં સુધી પસંદગીકારોએ નિર્ણય લેવાનું ધોની પર છોડ્યું છે.

ક્રિકેટ બોર્ડમાં એવા ઘણા લોકો છે, જેમનું માનવું છે કે ધોનીને આવતા વર્ષે રમાનાર 50-ઓવરોવાળી વર્લ્ડ કપમાં રમાડવો જોઈએ. આનું કારણ એ છે કે ભૂતપૂર્વ કેપ્ટન હોવાથી ધોનીનો અનુભવ પ્રેશર ઓછું કરવામાં કેપ્ટન વિરાટ કોહલીને મદદરૂપ થશે.

આગામી છ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં ધોની રમવાનો નથી એ હવે નક્કી થઈ ગયું છે ત્યારે એની જગ્યા કોણ લેશે? આ માટે બે નામ છે – રિષભ પંત અને દિનેશ કાર્તિક.

ભારત ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ ટ્વેન્ટી-20 મેચો રમશે. પહેલી મેચ 4 નવેમ્બરે કોલકાતામાં, બીજી 6 નવેમ્બરે લખનઉમાં અને ત્રીજી 11 નવેમ્બરે ચેન્નાઈમાં રમાશે. ટીમનો કેપ્ટન રોહિત શર્મા રહેશે, કારણ કે કોહલીને આરામ આપવામાં આવશે.

ત્યારબાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ત્યાં પહેલી ટ્વેન્ટી-20 મેચ 21 નવેમ્બરે બ્રિસ્બેનમાં રમાશે. બીજી મેચ 23 નવેમ્બરે મેલબોર્નમાં તથા ત્રીજી મેચ 25મીએ સિડનીમાં રમાશે. ભારતીય ટીમ ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચો પણ રમશે. ઓસ્ટ્રેલિયાના સમગ્ર પ્રવાસમાં કોહલી કેપ્ટન રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]