અમારે કશ્મીરમાં ન તો સાસરું જોઈએ છે કે ન તો પ્રોપર્ટી જોઈએ છેઃ બજરંગ પુનિયા

નવી દિલ્હી – જમ્મુ અને કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને કેન્દ્ર સરકારે રદબાતલ કરી દીધી છે ત્યારથી આ રાજ્ય, જે હવે કેન્દ્રશાસિત પ્રદેશમાં પરિવર્તિત થઈ ગયું છે, ત્યાંની સ્ત્રીઓ વિશે નેતાઓ બેફામ કમેન્ટ્સ કરી રહ્યાં છે ત્યારે દેશના ટોચના કુસ્તીબાજ બજરંગ પુનિયાએ શાંતિનો સંદેશો આપ્યો છે.

પુનિયાએ કહ્યું છે કે અમારે ન તો કશ્મીરમાં સાસરું જોઈએ છે કે ન તો ત્યાં મકાન જોઈએ છે, અમે તો માત્ર એટલું જ ઈચ્છીએ છીએ કે ત્યાંથી કોઈ પણ સૈનિક તિરંગામાં વીંટળાઈને એનાં ઘેર પાછાં ન ફરે. અમારે તો એવું હિન્દુસ્તાન જોઈએ છે. જય હિંદ, જય ભારત.

ઉલ્લેખનીય છે કે, હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે શનિવારે રાજ્યમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હવે જ્યારે 370મી કલમ નાબૂદ કરી દેવામાં આવી છે ત્યારે ત્યાંની સ્ત્રીઓને લગ્ન માટે અહીંયા લાવી શકાશે.

તે પહેલાં, ભાજપના વિધાનસભ્ય વિક્રમ સિંહ સૈનીએ એમના પાર્ટીનાં સભ્યોને, ખાસ કરીને મુસ્લિમોને એમ કહ્યું હતું કે તેઓ હવે રૂપાડી કશ્મીરી સ્ત્રીઓ સાથે લગ્ન કરવાનો એમના નવા પ્રાપ્ત થયેલા અધિકારનો ઉપયોગ કરે.