ક્રીઝ છોડશો નહીં, નહીં તો ધોની છોડશે નહીંઃ ICC…

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને વિશ્વમાં બેસ્ટ ફિનિશર્સમાંના એક તરીકે ગણવામાં આવે છે, પણ વિકેટકીપર તરીકે પણ એટલો જ માસ્ટર રહ્યો છે.

ધોનીને સાથળનો સ્નાયૂ ખેંચાઈ જવાને કારણે ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાંથી બાકાત રહેવાની ફરજ પડી હતી. એ મેચ ભારત 8-વિકેટથી હારી ગયું હતું. જોકે પાંચમી અને સીરિઝની આખરી મેચમાં ધોની ફરી ટીમમાં સામેલ થયો હતો અને એમાં તેણે સ્ટમ્પ્સની પાછળ તો એની માસ્ટરક્લાસ કામગીરી બજાવી હતી એટલું જ નહીં, પણ ન્યૂઝીલેન્ડના દાવ વખતે કાર્યવાહક કેપ્ટન રોહિત શર્માને ફિલ્ડિંગ ગોઠવવામાં માર્ગદર્શન પણ આપ્યું હતું. એ મેચ આખરે ભારત 35-રનથી જીત્યું હતું અને સીરિઝ 4-1થી ગજવામાં મૂકી હતી.

37 વર્ષીય ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સ્ટમ્પિંગ્સ કરવાનો રેકોર્ડ ધરાવે છે. એ અત્યાર સુધીમાં કુલ 190 સ્ટમ્પિંગ્સ કરી ચૂક્યો છે. પાંચમી મેચમાં એણે ન્યૂઝીલેન્ડના જેમ્સ નીશામને સ્ટમ્પ આઉટ કરીને એની વિદ્યુતવેગી ચપળતાનો એક વધુ પુરાવો આપ્યો હતો.

નીશામ એ વખતે 44 રન સાથે દાવમાં હતો અને સેટ થઈ ગયેલો જણાયો હતો. એ ન્યૂઝીલેન્ડને જીત તરફ દોરી જઈ રહ્યો હતો. એ જ વખતે કેદાર જાધવના એક બોલને રમવામાં એ સહેજ ચૂકી ગયો હતો. જાધવ તથા અન્ય સાથી ફિલ્ડરોએ લેગબીફોરની અપીલ કરી હતી. એ દરમિયાન નીશામ ક્રીઝની સહેજ માટે બહાર નીકળ્યો હતો અને ધોનીએ આંખના પલકારામાં સ્ટમ્પ ઉડાવી દીધા હતા અને નીશામ રનઆઉટ થયો હતો.

ધોનીની એ માસ્ટરક્લાસ કળાની દુનિયાભરમાં વાહ-વાહ થઈ છે. એમાંય અસાધારણ રીતે, સ્વયં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સંસ્થાએ એક ટ્વીટ કરીને ધોનીની ચપળતાનાં વખાણ કર્યા છે. એણે ટ્વીટમાં દુનિયાભરના તમામ બેટ્સમેનોને સલાહ-કમ-ચેતવણી આપી છે કે જ્યારે ધોની વિકેટકીપર હોય ત્યારે કોઈ પણ બેટ્સમેને ક્રીઝની બહાર નીકળવું નહીં.

યોકો ઓનો નામના એક જાપાનીઝ મલ્ટિમિડિયા આર્ટિસ્ટે ટ્વિટર પર એક વિનંતી છોડી હતી કે અમારું જીવન સુધરે અને ઝળકે એવી કોઈક સલાહ આપો… અને આશ્ચર્યજનક રીતે એના પ્રતિસાદ રૂપે આઈસીસી સંસ્થાએ રસપ્રદ જવાબ લખ્યો હતો.

આ છે, આઈસીસીનું એ ટ્વીટઃ

httpss://twitter.com/ICC/status/1092062328907071488

ભારત અને ન્યૂઝીલેન્ડ હવે ત્રણ-મેચોની ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સીરિઝ રમવાની છે. પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં રમાશે.

જુઓ ધોનીની કીપિંગની કારીગરી… કમાલની…

httpss://youtu.be/tQlh2pHAx8k