એન્ડરસનને હરાવી વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો જોકોવિચ; ટ્રોફી ચોથી વાર જીતી

લંડન – સર્બિયાના નોવાક જોકોવિચે આજે અહીં વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધામાં મેન્સ સિંગલ્સ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાના કેવીન એન્ડરસનને ત્રણ સેટની રમતમાં હરાવીને ચોથી વાર વિમ્બલ્ડન ટ્રોફી જીતી છે. જોકોવિચે એન્ડરસનને 6-2, 6-2, 7-6 (3)થી પરાજય આપ્યો હતો.

જોકોવિચે કારકિર્દીમાં પોતાનું આ 13મું ગ્રાન્ડસ્લેમ ટાઈટલ હાંસલ કર્યું છે. ટેનિસની રમતમાં ઓપન-યુગનો આરંભ થયો ત્યાર પછી રોજર ફેડરરે આઠ, પીટ સેમ્પ્રસ સાત અને બ્યોન બોર્ગ પાંચ વખત ટ્રોફી જીત્યો છે.

બે વર્ષ પહેલાં જોકોવિચ ઈજાને કારણે, અમુક અંગત સમસ્યાઓને કારણે અને ટોચનું રેન્કિંગ ગુમાવી બેઠો હતો.

2001માં ગોરાન ઈવાનીસેવિચે વિમ્બલ્ડનમાં વિજેતાપદ હાંસલ કર્યા બાદ 12મો સીડ અને 21મી વર્લ્ડ રેન્ક ધરાવનાર જોકોવિચ અહીં સૌથી નીચી રેન્ક ધરાવનાર ચેમ્પિયન બન્યો છે. ઈવાનીસેવિચે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી પર રમીને વિજેતાપદ મેળવ્યું હતું.

એક સમયે, જોકોવિચ ચારેય ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીત્યો હતો, જે સિદ્ધિ ત્યારે રોજર ફેડરર કે નડાલે પણ હાંસલ કરી નહોતી. ત્યારબાદ જોકોવિચના જીવનમાં ઝંઝાવાત ફરી વળ્યો હતો.

2016માં એને કોચ બોરીસ બેકરથી વિખવાદ થયો હતો. ત્યારબાદ આન્દ્રે એગાસી એનો કોચ બન્યો હતો, પણ એ પછી જોકોવિચને કોણીમાં ઈજા થઈ હતી અને જાન્યુઆરીમાં એને સર્જરી કરાવવી પડી હતી.

છેલ્લા બે વર્ષમાં એ માત્ર બે સ્પર્ધા જીત્યો હતો જ્યારે છેલ્લા 12 મહિનામાં તો એકેય સ્પર્ધા જીતી નહોતી. છતાં એ આ વખતે વિમ્બલ્ડનમાં જોરદાર આત્મવિશ્વાસ અને પૂરી તાકાત સાથે રમ્યો.

સેમી ફાઈનલમાં એણે નડાલને 6-4, 3-6, 7-6 (9), 3-6, 10-8 હરાવીને પોતાની તાકાતનો પરચો બતાવી દીધો હતો.

એન્ડરસન તેની ક્વાર્ટર ફાઈનલ અને સેમી ફાઈનલ મેચો ખૂબ લાંબી ચાલી હોવાથી થાકી ગયો હતો. આ બંને મેચમાં એ 10 કલાક અને 50 મિનિટ રમ્યો હતો. ક્વાર્ટરમાં એણે ફેડરરને હરાવ્યો હતો, તો સેમીમાં જોન આઈસનરને.

આજની મેચમાં 8મા ક્રમાંકિત એન્ડરસને પહેલી બે ગેમમાં છ અનફોર્સ્ડ એરર કરી હતી અને પહેલી પાંચ સર્વિસ ગેમ્સમાં ત્રણ વાર એણે પછડાટ ખાધી હતી.

32 વર્ષનો એન્ડરસન ઓપન-યુગમાં, સૌથી મોટી ઉંમરે પહેલી વાર વિમ્બલ્ડનમાં ફાઈનલમાં પ્રવેશ મેળવનાર ખેલાડી બન્યો છે. 2017માં એ યુએસ ઓપન ફાઈનલમાં નડાલ સામે હારી ગયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]