ધોનીના અંગૂઠામાં કોઈ તકલીફ નથી, એ તો લડવૈયો છેઃ ટીમ મેનેજમેન્ટ

લીડ્સ – આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં ગઈ 30 જૂને ઈંગ્લેન્ડ સામેની મેચ પૂરી થયા બાદ ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીને લોહી થૂંકતો જોઈને એનાં ઘણાં પ્રશંસકો ચિંતિત થઈ ગયા હતા. આખરે તો એ ભારતીય ટીમનો મહત્ત્વનો ખેલાડી છે અને સ્પર્ધા હવે જ્યારે સમાપ્તિના તબક્કાની નજીક પહોંચી છે ત્યારે એના હાથના અંગૂઠામાં ઈજા થાય તો એના ચાહકોને ચિંતા થાય એ તો સ્વાભાવિક છે.

તે છતાં હવે સારા સમાચાર એ છે કે ધોનીને એવી કોઈ ગંભીર ઈજા થઈ નથી.

ટીમ મેનેજમેન્ટમાંની નિકટના એક અધિકારીને જ્યારે ધોનીની ઈજા વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે, વો હૈ તો પહાડી, વો યોદ્ધા હૈ. 300થી પણ વધારે વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમી ચૂક્યો હોય તે આવી બધી બાબતોથી ચિંતા કરે એવું શું તમે માનો છો?

આવી અમથી પીડાને તો એ જરાય ગણકારતો જ નથી. એ ગજબની ક્ષમતાવાળો છે. જોકે વધુ મહત્ત્વની વાત એ છે કે એના અંગૂઠામાં એવી કોઈ તકલીફ નથી, એ ફાઈન છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

ટીમ મેનેજમેન્ટની નિકટના સૂત્રોએ પણ કહ્યું કે વિકેટકીપિંગ કરતી વખતે આંગળીઓ પર બોલ વાગવાની વાત ધોની માટે કંઈ નવી નથી. આવા બોલ વાગવાથી એને કોઈ ફરક પડતો નથી.

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ સામેની વર્લ્ડ કપ મેચ વખતે ધોની મેદાનમાંથી થોડોક સમય માટે જતો રહ્યો હતો એને કારણે પણ એવી અફવા ઊડી હતી કે એની અંગૂઠાની ઈજા વકરી છે.

પરંતુ બાદમાં એવી જાણ કરવામાં આવી હતી કે ધોની આઠ મિનિટમાં જ પાછો મેદાનમાં આવી ગયો હતો. એ લૂ બ્રેકથી વધારે બીજું કંઈ નહોતો.

વાસ્તવમાં, ઈન્જરીના મામલે પણ ધોનીનો રેકોર્ડ સરસ છે. એમ કહેવાય છે કે અન્ય ખેલાડીઓએ ધોનીમાંથી પ્રેરણા લેવી જોઈએ.

એક વાર એણે કહેલું કે, તમે જો કોઈ મેચ રમતા પહેલાં 100 ટકા ફિટ થઈ જવાની રાહ જુઓ તો એનો મતલબ એ કે તમારે તે પછીની મેચ રમવા માટે પાંચ વર્ષની રાહ જોવી પડશે.

એવી વાત હોય તો હું તો પીડા સાથે પણ મેચ રમી કાઢું.

વર્લ્ડ કપમાં ભારત હવે શનિવારે શ્રીલંકા સામે રમશે. એ બંને ટીમની આખરી લીગ મેચ હશે. પોઈન્ટ્સ ટેબલમાં ભારત હાલ બીજા સ્થાને છે. ભારતને ટેબલમાં નંબર-1 પર જવાની તક છે, જો તે શનિવારે શ્રીલંકાને હરાવે અને દક્ષિણ આફ્રિકા તેની છેલ્લી લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવે. ઓસ્ટ્રેલિયા હાલ ટોચ પર છે.