આઈપીએલ 2019: ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ તેની પહેલી કમાણી શહીદોનાં પરિવારજનોને આપશે

ચેન્નાઈ – ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની 12મી મોસમનો આરંભ 23 માર્ચે ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ગયા વર્ષની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચ સાથે થશે. આ મેચમાં ટિકિટોના વેચાણમાંથી ચેન્નાઈ ટીમને જે કમાણી થશે એ તે સીઆરપીએફના એ  જવાનોનાં પરિવારજનોને દાનમાં આપી દેશે જેમણે ગયા ફેબ્રુઆરીમાં જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલામાં એમના જાન ગુમાવ્યા હતા.

આ જાહેરાત સીએસકે ટીમના ડાયરેક્ટર રાકેશ સિંહે કરી છે.

સિંહે ટીમના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું છે કે, ચેન્નાઈ ટીમ તેની પહેલી મેચની ટિકિટોના વેચાણની કમાણી પુલવામા હુમલાનો ભોગ બનેલા જવાનોનાં પરિવારજનોને આપશે. ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, જે ભારતીય ભૂમિદળનો માનદ્દ લેફ્ટેનન્ટ કર્નલ છે, તે રકમનો ચેક શહીદોનાં પરિવારજનોને સુપરત કરશે.

આઈપીએલ-2019ની આ પહેલી જ મેચની ટિકિટો વેચાણમાં મૂકાયાના અમુક કલાકોમાં જ વેચાઈ ગઈ હતી.

14 ફેબ્રુઆરીએ દક્ષિણ કશ્મીરના પુલવામા જિલ્લામાં પાકિસ્તાનસ્થિત સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીએ આત્મઘાતી વિસ્ફોટ કરતાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા. એ વખતે 2,500 જેટલા સીઆરપીએફ જવાનો સાથે 78 બસોનો કાફલો જમ્મુથી શ્રીનગર જતો હતો ત્યારે એક આતંકવાદીએ વિસ્ફોટકોથી ભરેલી કાર એક બસ સાથે અથડાવી મારી હતી.

શહીદ જવાનોનાં માનમાં, ભારતીય ક્રિકેટરો તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ખાસ આર્મી કેપ્સ પહેરીને રમ્યા હતા અને એ મેચમાં એમણે મેળવેલી ફી નેશનલ ડીફેન્સ ફંડમાં દાનમાં આપી દીધી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]