રોહિત શર્મા પિતા બન્યો; પત્ની રિતીકાએ પુત્રીને જન્મ આપ્યો

મુંબઈ – ભારતીય ક્રિકેટ ટીમનો બેટ્સમેન રોહિત શર્મા પિતા બન્યો છે. એની પત્ની રિતીકાએ મુંબઈમાં પુત્રીને જન્મ આપ્યો છે. દંપતીનું આ પહેલું જ સંતાન છે.

દીકરીનાં જન્મનાં પોતાને સમાચાર મળ્યા બાદ તરત જ રોહિત ઓસ્ટ્રેલિયામાંથી મુંબઈ આવવા રવાના થઈ ગયો હતો.

રોહિત આવતી ત્રીજી જાન્યુઆરીથી સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનાર ચોથી અને સીરિઝની આખરી ટેસ્ટ મેચમાં રમી નહીં શકે.

વધુમાં, સિડની ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમને રોહિતના બદલામાં કોઈ બીજા ખેલાડીની સેવા મળી નહીં શકે.

રોહિત 12 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે રમાનાર  ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સીરિઝમાં રમવા માટે ટીમ સાથે જોડાઈ જશે. રોહિત 8 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા પહોંચી જશે. પહેલી વન-ડે મેચ 12 જાન્યુઆરીએ સિડનીમાં રમાશે.

રિતીકાની પિતરાઈ બહેન સીમા ખાન બોલીવૂડ અભિનેતા-નિર્માતા સોહેલ ખાનની પત્ની છે. રિતીકાને પુત્રીનાં જન્મનાં સમાચારને એણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સમર્થન આપ્યું છે. એણે કેપ્શનમાં લખ્યું છે, ‘બેબી ગર્લ, ફરી વાર માસી બની છું.’

દંપતીએ રિતીકાનાં સગર્ભા થયાના સમાચારને કેટલોક સમય સુધી ખાનગી રાખ્યા હતા. પણ આખરે રોહિતે જ આંતરરાષ્ટ્રીય કાંડાઘડિયાળ હુબલો માટેના એક પ્રમોશનલ વિડિયોમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્ક સાથેની વાતચીત વખતે રિતીકા ગર્ભવતી થયાનાં સમાચાર જાહેર કર્યા હતા.