પાકિસ્તાન સામે તટસ્થ ભૂમિ પર ટેસ્ટ સિરીઝ રમવાનો બાંગ્લાદેશનો આગ્રહ

ઢાકા – પોતાની ધરતી પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સિરીઝ રમાડવાનું પાકિસ્તાન માટે 10 વર્ષમાં પહેલી વાર શક્ય બન્યું છે. એણે તાજેતરમાં જ ઘરઆંગણે શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણી યોજી હતી, પણ હવે બાંગ્લાદેશે એક માગણી મૂકીને પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો છે.

બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડે માગણી કરી છે કે પાકિસ્તાન સામે પોતાની ટીમની આગામી ટેસ્ટ શ્રેણી તે પાકિસ્તાનમાં નહીં, પણ કોઈ તટસ્થ ભૂમિ પર રમવા માગે છે. એ પાકિસ્તાનમાં રમવા ઈચ્છતું નથી.

કાર્યક્રમ અનુસાર, બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાનના પ્રવાસે જવાની છે અને ત્યાં 3-મેચની ટ્વેન્ટી-20 સિરીઝ રમશે અને ત્યારબાદ બે-મેચની ટેસ્ટ શ્રેણી રમશે.

પરંતુ, આ પ્રવાસ પૂર્વે જ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યૂટિવ નિઝામુદ્દીન ચૌધરીએ કહ્યું છે કે ટેસ્ટ સિરીઝ માટે કોઈ તટસ્થ ભૂમિ રાખવામાં આવે એવી અમારી માગણી યથાવત્ છે.

ઉલ્લેખનીય છે કે 2009માં, શ્રીલંકાની ક્રિકેટ ટીમ જ્યારે પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી ત્યારે ટીમની બસ ભયાનક આતંકવાદી હુમલામાંથી આબાદ બચી ગઈ હતી. તાજેતરમાં જ પાકિસ્તાનના પ્રવાસે જનાર શ્રીલંકા ટીમ પહેલી આંતરરાષ્ટ્રીય ટીમ હતી. બંને ટીમ પહેલી ટેસ્ટ મેચ રાવલપીંડીમાં રમી હતી અને ત્યારબાદ બીજી મેચ કરાચીમાં રમાઈ હતી. બંને મેચ વખતે કોઈ સમસ્યા ઊભી થઈ નહોતી.

એ સિરીઝ વખતની સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક રહેતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન એહસાન મનીએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે અમારી બધી ઘરઆંગણાની ટેસ્ટ મેચો પાકિસ્તાનમાં જ રમાય અને તટસ્થ ભૂમિ પર નહીં. પરંતુ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે વાંધો ઉઠાવતાં પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે.

બીસીબીના ચૌધરીએ કહ્યું કે અમારી ટીમ માત્ર ટ્વેન્ટી-20 મેચો જ પાકિસ્તાનમાં રમશે. ટેસ્ટ સિરીઝ નહીં. પરંતુ જો ટેસ્ટ સિરીઝ કોઈ તટસ્થ ભૂમિ પર રમાડાય તો અમે તૈયાર છીએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]