વેબસાઈટ ઓફ્ફલાઈન થવાના વિવાદમાં લલિત મોદીએ ક્રિકેટ બોર્ડને દોષી ગણાવ્યું

મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની સત્તાવાર વેબસાઈટ www.bcci.tv ઓફ્ફલાઈન થઈ એ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ બીસીસીઆઈ સંસ્થાને જવાબદાર ગણાવી છે.

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ બોર્ડ તેની વેબસાઈટનું ડોમેન સમયસર રીન્યૂ ન કરાવતાં વેબસાઈટ ઓફ્ફલાઈન થઈ ગઈ.

લલિત મોદી હાલ વિદેશમાં દેશવટો ભોગવી રહ્યા છે. બીસીસીઆઈની સત્તાવાર વેબસાઈટના માલિક લલિત મોદી છે. એમણે એમના વકીલ મેહમૂદ અબ્દી મારફત એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, બીસીસીઆઈ દ્વારા વારંવાર અન્યાય કરાતો રહ્યો હોવા છતાં લલિત મોદીએ ક્રિકેટની રમત તેમજ સંસ્થાના વહીવટના હિતમાં ડોમેન્સને કાયમ જીવંત રાખ્યા હતા.

ક્રિકેટ બોર્ડે લલિત મોદી પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ બીસીસીઆઈની વેબસાઈટના માલિક હજી પણ એ જ છે.

બીસીસીઆઈની વેબસાઈટના ફિયાસ્કોનો મામલો 2007ની સાલ જેટલો જૂનો છે. એ વખતે લલિત મોદી ક્રિકેટ બોર્ડના ઉપપ્રમુખોમાંના એક હતા. એમણે ક્રિકેટ બોર્ડની વતી આઈપીએલના ડોમેન સહિત અનેક ડોમેન્સ રજિસ્ટર કરાવ્યા હતા.

જોકે એ બધા ડોમેન્સ બીસીસીઆઈને બદલે પોતાના નામે રજિસ્ટર કરાવ્યા હતા.

ક્રિકેટ બોર્ડનો દાવો છે કે મોદીએ 100થી પણ વધુ ડોમેન્સ રજિસ્ટર કરાવ્યા હતા અને પછી એનો ખર્ચ બોર્ડ પાસેથી વસૂલ પણ કરી લીધો હતો.

લલિત મોદીનું કહેવું છે કે પોતે બીસીસીઆઈમાં ડિજિટાઈઝેશન લાવ્યા હતા.

મોદી વતી એમના વકીલે ઈસ્યૂ કરેલા નિવેદનમાં જણાવાયું છે કે લલિત મોદીએ ઘણી રીતે બીસીસીઆઈમાં નવીનતા આણી હતી. બોર્ડમાં ડિજિટાઈઝેશન તેઓ જ લાવ્યા હતા. જેમ કે ડોમેન નેમ્સ વગેરે. મોદીએ પોતે પહેલ કરીને ડોમેન નામો પોતાના નામે રજિસ્ટર કરાવ્યા હતા.

બીસીસીઆઈ અને મોદી વચ્ચે કોર્ટ કેસ

ક્રિકેટ બોર્ડ અને લલિત મોદી વચ્ચે વેબસાઈટ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

2013માં લલિત મોદીને ક્રિકેટ બોર્ડમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ બોર્ડે મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે બધા ડોમેન્સ લલિત મોદી પાસેથી એને પાછા મળવા જોઈએ. બોર્ડે પોતાની સાથે વિશ્વાસઘાત કરવાનો મોદી પર આરોપ મૂક્યો હતો.

કોર્ટે પોતાનો અંતિમ નિર્ણય અનામત રાખ્યો છે અને કહ્યું હતું કે પોતે અંતિમ નિર્ણય ત્યારે જ લેશે જ્યારે ડોમેન્સ માટેનું તમામ પેમેન્ટ્સ લલિત મોદીની માલિકીના ક્રેડિટ કાર્ડ ઉપર ઓટો-રીન્યૂઅલ પર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ક્રિકેટ બોર્ડે લલિત મોદીને ગેરરીતિઓ માટે કસુરવાર ગણી એમની પર 22 આરોપ મૂક્યા છે અને એમને સસ્પેન્ડ કર્યા છે.

એમની પર આરોપ છે કે એમણે બોર્ડ સાથે મસલત કર્યા વિના નિર્ણયો લીધા હતા, મની લોન્ડરિંગ કર્યું હતું, ફ્રેન્ચાઈઝીસ પરિવારના સભ્યોને વેચી દીધા હતા, ક્રિકેટની સટ્ટાખોરી કરી હતી, કટકીઓ લીધી હતી અને પોતાના મિત્રોને કોન્ટ્રાક્ટની ફાળવણી કરવા માટે ગેરરીતિઓ આચરી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફ ઈન્ડિયાએ પણ લલિત મોદીને કારણદર્શક નોટિસ મોકલાવી છે અને રૂ. 90 કરોડની રકમ બ્રિટનમાં ગેરકાયદેસર ટ્રાન્સફર કેમ કરી એ વિશે જવાબ માગ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]