મોત સામે ઝઝૂમતા ભૂતપૂર્વ ક્રિકેટર જેકબ માર્ટિનની મદદ માટે કૃણાલ પંડ્યાએ આપ્યો બ્લેન્ક ચેક

વડોદરા – ભારત વતી ભૂતકાળમાં 10 વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને 2 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકેલા વડોદરાનિવાસી ક્રિકેટર જેકબ માર્ટિન હાલ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે. ભૂતપૂર્વ બેટ્સમેન માર્ટિનને એક અકસ્માત નડ્યો હતો અને એમની હાલત અત્યંત ગંભીર થઈ ગઈ છે.

ગઈ 28 ડિસેંબરે એક અકસ્માતનો ભોગ બન્યા બાદ માર્ટિન વેન્ટિલેટર પર છે. એમનાં લીવર તથા ફેફસાંમાં ખૂબ નુકસાન પહોંચ્યું છે.

માર્ટિનને મદદરૂપ થવા માટે ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને હાર્દિક પંડ્યાનો ભાઈ કૃણાલ પંડ્યા સહિત અનેક ક્રિકેટરો આગળ આવ્યા છે.

ભૂતકાળમાં વડોદરા ટીમ વતી રમેલા માર્ટિનની સારવારનો દૈનિક ખર્ચ આશરે રૂ. 70 હજાર છે. એ માટે સહાયતા કરવાની માર્ટિનની પત્નીએ અપીલ કર્યા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે રૂ. પાંચ લાખની રકમ મંજૂર કરી છે.

ધ ટેલીગ્રાફના અહેવાલ મુજબ, વડોદરાનિવાસી હાર્દિક પંડ્યાના ક્રિકેટર ભાઈ કૃણાલ પંડ્યાએ તો માર્ટિનના પરિવારને એક બ્લેન્ક ચેક આપ્યો છે.

અહેવાલમાં કૃણાલને એવું કહેતા ટાંકવામાં આવ્યો છે કે, ‘સર, તમને જરૂર હોય એ રકમ આમાં ભરી દેજો, પરંતુ રૂ. એક લાખથી ઓછી રકમ તો ભરશો જ નહીં.’

સૌરવ ગાંગુલી અને માર્ટિન એક જ ટીમનાં સભ્યો હતા. ગાંગુલીએ કહ્યું કે મને યાદ છે કે માર્ટિન એકદમ શાંત સ્વભાવનો અને અંતર્મુખી વ્યક્તિ છે. એ જલદી સાજો થઈ જાય એવી હું પ્રાર્થના કરું છું. હું એના પરિવારને કહેવા માગું છું કે આ સંકટના સમયમાં તેઓ એકલા નથી. મેં શ્રીમતી માર્ટિનને જણાવ્યું છે કે એમને વધુ જો કોઈ સહાયતાની જરૂર પડે તો કોઈ પ્રકારના ખંચકાટ વગર મારો સંપર્ક કરજો.

ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલરો ઝહીર ખાન અને આશિષ નેહરાએ પણ જેકબ માર્ટિનના પરિવારને મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]