ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ સ્લેજિંગ ઉપર પ્રતિબંધ મૂકવા વિચારે છે

કેનબેરા – ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માર્ક ટેલરનું કહેવું છે કે એમના દેશની ક્રિકેટ ટીમ તથા ક્રિકેટની રમતને બદનામ કરનાર તાજેતરના બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પોતાના ખેલાડીઓને હરીફ ખેલાડીઓનું સ્લેજિંગ કરતા (અપશબ્દો કે વાંધાજનક શબ્દો બોલીને હરીફોને ઉશ્કેરવાની પ્રવૃત્તિ કરતા) રોકવા વિચારે છે.

કેપ ટાઉનમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ચીટિંગનો પર્દાફાશ થતાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઈસ-કેપ્ટન ડેવિડ વોર્નર ઉપર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જ્યારે બેટ્સમેન કેમરન બેન્ક્રોફ્ટ પર 9-મહિનાનો પ્રતિબંધ મૂકાયો છે.

માર્ક ટેલર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના બોર્ડના એક સભ્ય છે. ચેનલ નાઈનને આપેલી મુલાકાત વખતે જ્યારે એમને પૂછવામાં આવ્યું કે સ્લેજિંગની પ્રવૃત્તિ પર પ્રતિબંધની શક્યતા ખરી? ત્યારે જવાબમાં ટેલરે કહ્યું કે, ચોક્કસપણે. સ્લેજિંગ પર પ્રતિબંધ મૂકીને તમે મેદાનમાં રમતી વખતે કોઈને વાતચીત કરતાં રોકતા નથી, પરંતુ તમે જો અપશબ્દો બોલો, ગંદી મજાક ઉડાવો, મૌખિક રીતે ઉશ્કેરણી કરો, જેને આપણે સ્લેજિંગ કહીએ છીએ એ આખી અલગ બાબત છે. એ પ્રવૃત્તિ હદ વટાવી ગઈ છે.

શું તમે સ્લેજિંગ પર પ્રતિબંધ મૂકાવવા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના બોર્ડમાં પ્રસ્તાવ રજૂ કરશો? એમ પૂછતાં ટેલરે કશું કહેવાની ના પાડી હતી. એમણે કહ્યું કે, આગામી ત્રણ અઠવાડિયામાં બોર્ડની બેઠકમાં એ બાબત બને યા ન પણ બને.

ઉલ્લેખનીય છે કે ન્યુ ઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે એના પોતાના ખેલાડીઓ સાથેની રકઝક બાદ 2013માં નો-સ્લેજિંગ નીતિ લાગુ કરી છે.

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન માલ્કમ ટર્નબુલે પણ સ્લેજિંગનો અંત લાવવાનો અનુરોધ કર્યો છે.

તાજેતરમાં, એશિઝ સિરીઝ વખતે સ્મિથ અને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન વચ્ચે સ્લેજિંગને કારણે મામલો તંગ બની જતાં અમ્પાયર અલીમ દરને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને ઝઘડી રહેલા બંને ખેલાડીને અલગ કરવા પડ્યા હતા.